Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

બાળકો માટે રસીની જુલાઈમાં ક્લિનિકલ ટ્રાયલની યોજના

નોવાવૈક્સ રસીના પ્રભાવ સંબંધી આંકડા ઉત્સાહનજક : નોવાવૈક્સે દાવો કર્યો કે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં વેક્સિન સમગ્ર રૂપથી ૯૦.૪ ટકા અસરકારક સાબિત થઈ છે

નવી દિલ્હી, તા. ૧૭ : સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નોવૈવાક્સ રસીના સંદર્ભમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ હતુ કે નોવાવૈક્સ વેક્સિનના પ્રભાવ સંબંધી આંકડા ઉત્સાહનજક છે. નોવાવૈક્સના જાહેર રૂપથી ઉપલબ્ધ આંકડા પણ તે સંકેત આપે છે કે તે સુરક્ષિત અને વધુ અસરકારક છે. તેમણે કહ્યું કે, આજે ભારત માટે આ રસીની પ્રાસંગિકતા એ છે કે તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે સીરમ તેની બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરશે.

અમેરિકન બાયોટેકનોલોજી કંપની નોવાવૈક્સે સોમવારે દાવો કર્યો કે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તેની કોરોના વિરોધી વેક્સિન સમગ્ર રૂપથી ૯૦.૪ ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીએ તે પણ કહ્યું કે સંક્રમણના મધ્યમ અને ગંભીર લક્ષણો વિરુદ્ધ તે સો ટકા સુરક્ષા પ્રદાન કરે છે. કંપનીએ કહ્યું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ અમેરિકા અને મેક્સિકોના ૧૧૯ કેન્દ્રો પર ૨૯૯૬૦ લોકો પર કરવામાં આવી. અંતિમ તબક્કામાં વેક્સિનના પ્રભાવ, સુરક્ષા અને રક્ષણનું આકલન કરવામાં આવ્યું.

કંપની પ્રમાણે કોરોનાના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ પણ વેક્સિન અસરકારક છે. નોવાવૈક્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટૈનલી સી. અર્કે કહ્યુ કે, કંપનીની એનવીએક્સ-સીઓવી૨૩૭૩ અત્યંત અસરકારક છે અને મધ્યમ તથા ગંભીર સંક્રમણ વિરુદ્ધ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

પ્રોટીન આધારિત આ વેક્સિનને કોરોના વાયરસના પ્રથમ સ્ટ્રેનના જીનોમ સિક્વેન્સથી તૈયાર કરવામાં આવી છે. કંપની પ્રમાણે તેની વેક્સિનને સ્ટોરેજ કરવી પણ સરળ છે. તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સામાન્ય ફ્રીઝમાં રાખી શકાય છે. તેના કારણે વેક્સિન માટે હાલની સપ્લાય ચેનમાં કોઈ પ્રકારના ફેરફારની જરૂર પડશે નહીં.

(12:00 am IST)