Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

હવે હરિયાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

રોહતકથી ૧પ કિલોમીટર દૂર ધરા ધ્રૂજતા ભયનો માહોલ

રોહતક, તા. ૧૮: ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા ૪.૦૦ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૨.૧ની હતી. આથી વધુ જગ્યા પર આ આંચકો મહેસૂસ થયો નહીં છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, ઓડિશામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં ઓછી તીવ્રતાના ૨૫ જેટલા ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે.

આ અગાઉ કાશ્મીરમાં મંગળવારે એક મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. મધ્યમ તીવ્રતાનો આ આંચકો મંગળવારે સવારે ૭.૦૦ વાગે આવ્યો જેની રીક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૮ માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્થાન ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી ૧૦૦ કિમી અંદર હતી. ભૂકંપની દૃષ્ટિએ કાશ્મીર એક એવા ક્ષેત્રમાં છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા વધુ રહે છે.

૧૫ જૂનના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સોમવારે ઓછી તીવ્રતાના બે ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં. એક દિવસ પહેલા રવિવારે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજકોટની ઉત્તર પશ્ચિમમાં ૧૩૨ કિમી દૂર રિક્ટર સ્કેલ પર ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે બીજો ભૂકંપ ૪.૧ની તીવ્રતાનો હતો જે બપોરે ૧૨.૫૭ વાગે તેની ઉત્તર પશ્ચિમમાં ઉત્તર તરફ અને ૧૧૮ કિમી દૂર આવ્યો હતો. રવિવારે રાતે ૮.૧૩ વાગે આ જિલ્લામાં ૫.૩ની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં.

(3:06 pm IST)