Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૫ જુલાઈ ૨૦૦૫ના રોજ અયોધ્યામાં શું થયેલ?

નવી દિલ્હી : ૫ જુલાઈ ૨૦૦૫ના રોજ રામ જન્મભૂમિ - બાબરી મસ્જીદની અત્યંત સુરક્ષિત જગ્યા પર હથિયારી ધારી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાનો સુરક્ષાદળોએ જવાબ આપ્યો હતો અને એક કલાકના સામ સામે થયેલા ગોળીબાર પછી પાંચે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ નેપાળ સરહદેથી ભારતમાં ઘૂસ્યા હોવાની શંકા હતી. તેઓ યાત્રાળુઓ તરીકે અયોધ્યામાં આવ્યા હતા અને તેમણે ફૈઝાબાદના ખીચુઆ ગામમાંથી ટાટા સુમો ભાડે કરી હતી. ફૈઝાબાદમાં સુમોને છોડીને તેમણે એક જીપ ભાડે કરી હતી જેના ડ્રાઈવર તરીકે રહેમાન આલમ અંસારી નામનો માણસ હતો.

ડ્રાઈવરે આપેલા બયાન અનુસાર આતંકવાદીઓએ ૫ જુલાઈની સવારે રામ મંદિરની મુલાકાત કરી હતી જયા તેમણે બધુ બરાબર છે તે તપાસવા માટે રેકી કરી હતી.

ત્યાર પછી આતંકવાદીઓએ રામ જન્મભૂમિ તરફ જીપ લેવડાવી હતી અને ત્યાં ડ્રાઈવરને જબરદસ્તી પૂર્વક જીપમાંથી બહાર કાઢી મૂકયો હતો અને જીપને સીકયોરીટી કોર્ડન સાથે અથડાવી હતી અને ત્યાં એક ગ્રેનેડ પણ ફેંકયો હતો.

ત્યારે સ્થળ પર જ હાજર રમેશ પાંડે નામનો ગાઈડ ગ્રેનેડ ફાટવાથી ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો ત્યારપછી પાંચે આતંકવાદીઓ ''માતા સીતા રસોઈ'' નામના સ્થળે પ્રવેશ્યા હતા અને સતત ગોળીબાર કરતા હતા. તેમને રોકવા માટે સીઆરપીએફના પ્લાટુને સામે ગોળીબાર શરૂ કરીને પાંચે આતંકવાદીઓને ઢાળી દીધા હતા.

સ્થળના ૧૦૦ મીટરની અંદર જ બધા આતંકવાદીઓ માર્યા ગયા હતા. જયારે સીઆરપીએફના ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કુલ ૭ ઘવાયેલ. તપાસકર્તા ટીમે આતંકવાદીઓ પાસેથી મળેલા ફોનની કોલ ડીટેઈલ્સ તપાસી હતી. જેના આધારે ૩ ઓગષ્ટ ૨૦૦૫ના રોજ ચાર શંકાસ્પદો - આસીફ ઈકબાલ, મોહમ્મદ અઝીઝ, મોહમ્મદ નસીમ અને શકીલ અહેમદની ધરપકડ કરી હતી જયારે પાંચમો શખ્સ ઈરફાન ખાન થોડા દિવસ પછી પકડાયો હતો.

પોલીસને ઘટના સ્થળેથી આતંકવાદીઓ પાસેથી આરપીજી-૭, રોકેટ લોન્ચર, પાંચ ૫૬ એસોલ્ટ રાઈફલો, પાંચ એમ ૧૯૧૧ પિસ્તોલો, કેટલાક ગ્રેનેડ અને જીહાદી સાહિત્ય મળી આવ્યુ હતું.

૧૪ વર્ષ પૂર્વેની આતંકી ઘટના અંગે લાંબી કાનુની જંગ પછી હવે પ્રયાગરાજ અદાલત ગમે ત્યારે આ બનાવનો ચુકાદો જાહેર કરશે.

(4:08 pm IST)