Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કૃષિ, સિંચાઇ અને સોઇલ હેલ્થ કાર્ડને મહત્વ મળશે

બજેટમાં તમામ માટેની ફાળવણીને વધારાશે : કૃષિ ક્ષેત્રમાં અનેક નવી આકર્ષક જાહેરાત કરવામાં આવે તેવી વકી : મોદી સરકાર બજેટને લઇને તૈયારીમાં વ્યસ્ત

નવી દિલ્હી,તા. ૧૮: ૧૭મી લોકસભા માટેની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્રમાં નવી સરકાર બની ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત બીજી અવધિમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે. પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર નવી અવધિમા હવે તેનુ પ્રથમ બજેટ રજૂ કરનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પ્રથમ બજેટ પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર  છે. આને લઇને તમામ તૈયારી હાલમાં ચાલી રહી છે. બજેટ નિર્માણની પ્રક્રિયામાં ટીમ લાગેલી છે. પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર પ્રથમ બજેટમાં સામાન્ય લોકોને કેવી ભેંટ આપે છે તેના પર તમામની નજર રહેશે. આવનાર સામાન્ય બજેટમાં મોદી સરકાર આ વખતે કૃષિ, સિંચાઇ, ગ્રામીણ માર્ગો અને સોઇલ હેલ્થ કાર્ડના ક્ષેત્રમાં ફાળવણીને વધારી દે તેવી શક્યતા છે. સરકાર જંગી ફાળવણી કરવાને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. અધિકારીઓએ કહ્યુ છે કે સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી અસરકારક યોજના પર ફાળવણીને વધારી દેવામાં આવે તેવી શક્યતા છે.  સુધારવામાં આવેલા અંદાજ મુજબ  ફાળવણી વધારી દેવામાં આવનાર  છે. કૃષિ નિષ્ણાંતો નાણાં મંત્રાલયના અધિકારીઓને મળી ચુક્યા છે.  જેમાં બજેટને લઇને પોતાની રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન કૃષિ સેક્ટરમાં મંદી રહી હતી. તેમાં નવા પ્રાણ ફુંકવા માટે મેક ઇન ઇન્ડિયાને વધુ અસરકારક બનાવાશે. કષિ અને સિંચાઇ માળખા પર ખર્ચને વધારી દેવા માટે રાજ્યોને વધારી જવાબદારી સોંપાશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ફાળવણીને લઇને હજુ કોઇ વાત કરવામાં આવી નથી.  મહત્વકાંક્ષી સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સાથે મર્જ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. બજેટમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની ફાળવણીમાં વધારો કરવામાં આવી શકે છે.  બજેટને લઇને થોડાક દિવસ રહ્યા છે ત્યારે તમામ ગણતરીનો દોર ચાલી રહ્યો છે. મર્જરનો મતલબ એ થશે કે રાજ્યોને તેમને ફાળવવામાં આવેલી રકમ વધુ સારી રીતે ખર્ચ કરવાની તક મળી જશે. સાથે સાથે અમલીકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.  સોઇલ હેલ્થકાર્ડ સ્કીમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન પહેલાથી જ આના માટેની યોજના રજૂ કરી ચુક્યા છે. તેને કૃષિ વિકાસ યોજનામાં મર્જ કરી દેવામાં આવશે. કૃષિ વિકાસ યોજના સરકારની ફ્લેગશીપ સ્કીમો પૈકીની એક સ્કીમ છે. કેન્દ્ર સરકાર આ બાબતની ખાતરી કરશે કે રાજ્યો કાર્યક્રમને ફંડની તેમની હિસ્સેદારીનું યોગદાન આપે. મહત્વકાંક્ષી પાક વિમા યોજનાને મહત્વ મળી શકે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની ફાળવણીમાં પણ નોધપાત્ર વધારો થઇ શકે છે.સિંચાઈની સુવિધાને સુધારવા માટે વડાપ્રધાનની અંગત કમિટિ આ સંદર્ભમાં સૂચન કરી ચુકી છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામન શુ રાહત લોકોને આપે છે તેની ગણતરી આર્થિક નિષ્ણાંતોમાં ચાલી રહી છે. 

(3:38 pm IST)