Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સરકારને ઘેરવા ઘડાશે રણનીતિ

સોનિયા ગાંધીએ બોલાવી વરિષ્ઠ નેતાઓની બેઠક

નવી દિલ્હી, તા.૧૮: સોનિયા ગાંધીએ બોલાવી વરિષ્ઠ નેતાઓની બેઠક, સરકારને ઘેરવા ઘડાશે રણનીતિ .

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી. જેમા કોંગ્રેસ નેતા એકે એન્ટોની, જયરામ રમેશ, ગુલાબ નબી આઝાદ, આનંદ શર્મા, પી. ચિદમ્બરમ અને રંજન ચૌધરીએ હાજરી આપી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સરકારને ઘેરવા અંગે રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણીમાં મળેલી હાર બાદ સરકારને બેરોજગારી અને મહિલા સુરક્ષાના મુદ્દે દ્યેરવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ સંસદમાં ત્રણ તલાક બીલનો પણ વિરોધ કરવાની છે.

લોકસભાનું સત્ર સોમવારે શરૂ થઈ ગયું છે. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવનિર્વાચિત સભ્યોએ લોકસભાની સદસ્યતાના શપત લીધા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચોથી વાર લોકસભામાં સદસ્યતાના શપથ લીધા. સોમવારે રાહુલ ગાંધી શપથ લીધા બાદ રજિસ્ટરમાં સહી કરવાનું ભૂલી ગયા અને તેમની સીટ પર પાછા જવા લાગ્યા. આ જ સમયે કેટલાક અધિકારીઓ સહિત રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય સાંસદોએ તેમને સહી કરવાનું કહ્યું. ત્યારબાદ રાહુલ ગાંધી પાછા ફર્યા અને સહી કરી.

(4:09 pm IST)