Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આગામી પ-૭ વર્ષમાં

રિસાઇકલિંગ અર્થતંત્રમાં ૧.૪ કરોડ રોજગારનું સર્જન થશે : નીતિ આયોગ

નીતિ આયોગમાં રિસાઇકલિંગ અર્થતંત્રમાં આગામી પાંચથી સાત વર્ષમાં લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની ક્ષમતા છે

નવીદિલ્હી,તા.૧૮: નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે સોમવારે જણાવ્યું કે, સંસાધનોના યથાસંભવ મહત્તમ ઉપયોગ એટલે કે રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી ૫-૭ વર્ષમાં ૧.૪ કરોડ નોકરીઓ સર્જન કરવાની અને લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિક તૈયાર કરવાની ક્ષમતા છે.

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્ર લાગુ કરવા માટે સતત વિકાસક અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એ આજના સમયની માગ છે. રિસાઈકલિંગ અર્થતંત્રનો આશય એવી પ્રણાલી સાથે છે, જેમાં કચરાને બરબાદ કરવાને બદલે તેનો નવા ઉત્પાદનો અને ઉપયોગ કરવા માટેની ચીજ-વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

કાંતે જણાવ્યું કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાની વસતી ૯.૭ અબજ સુધી પહોંચી જશે, જેમાંથી ૩ અબજ લોકો મધ્યમ વર્ગના ઉપભોગના સ્તર સુધી પહોંચી જશે. તેમણે જણાવ્યું કે, માથાદીઠ ૭૧ ટકા વધુ સંસાધનોની આવશ્યક્તા રહેશે. આ રીતે દેશમાં કુલ ખનીજ અને સામગ્રીની માગ વર્ષ ૨૦૧૪ના ૫૦ અબજ ટનથી વધીને ૨૦૫૦માં ૧૩૦ અબજ ટન થઈ જશે.

કાંતે રિસાઈકલિંગ અર્થતંત્રને રાષ્ટ્રીય એજન્ડાના સ્વરૂપમાં વિકસિત કરવા તથા જાગૃતિ લાવવા માટે બિનસરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.

(3:34 pm IST)