Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સોનીયા-રાહુલની હાજરીમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ રણનીતિ ઘડી કાઢી

નવી દિલ્હી તા. ૧૮: કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓની એક મીટીંગ થઇ હતી. જેમાં અગત્યના મુદઓ જેવા કે લોકસભાના સ્પીકરની ચુંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ''એક રાષ્ટ્ર એક ચુંટણી'' અંગેની ચર્ચાના નિમંત્રણ અંગેની આગામી રણનીતિ અંગેની ચર્ચાઓ કરાઇ હતી.

સુત્રોએ કહ્યું હતું કે, સોનીયા ગાંધીના અધ્યક્ષપદે અને રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મીટીંગમાં બુધવારે વડાપ્રધાને બોલાવેલ મીટીંગ બાબતે રણનીતિની ચર્ચા થઇ હતી.

વડાપ્રધાને જે પક્ષનો એક પણ સભ્ય લોકસભા અથવા રાજયસભામાં હોય તેવા દરેક પક્ષના વડાને મીટીંગમાં આમંત્રણ આપ્યું છે. ર૦ જૂને યોજાયેલી આ મીટીંગમાં ''એક રાષ્ટ્ર એક ચુંટણી, દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી અને મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી વગેરે મુદ્દાઓ છે. આ મીટીંગ પછી તરત બધા સાંસદો સાથે ડીનર મીટીંગનું આયોજન કરાયું છે.

પશ્ચિમ બંગાળના કોંગ્રેસી નેતા અધીરરંજન ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભામાં કોંગ્રેસના નેતા નકકી કરવા બાબતે ઉપરોકત મીટીંગમાં કોઇ ચર્ચા નહોતી થઇ.

સુત્રો અનુસાર આ પદ માટેની દોડમાં અધીર રંજન ચૌધરી ઉપરાંત, કેરળના કાર્યકારી પ્રમુખ કે સુરેશ, પક્ષના પ્રવકતા મનિષ તિવારી અને તિરૂવનંતપુરમના સંસદ સભ્ય શશી થરૂરના નામો પણ બોલાઇ રહ્યા છે. સુત્રો અનુસાર આ અંગેનો નિર્ણય સોનિયા ગાંધી ટુંક સમયમાં લેશે.

(3:31 pm IST)