Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બાંગ્લાદેશની જેલમાં ર૦૦ વર્ષ બાદ કેદીઓ માટે નાસ્તાનું મેન્યૂ બદલાયું

ઢાંકા,તા.૧૮: બાંગ્લાદેશની જેલોમાં ૨૦૦ વર્ષ જૂના અંગ્રેજોના શાસનકાળથી અપાતા નાસ્તાના મેન્યૂમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, દેશની જેલ અને દંડ પ્રણાલીમાં મોટા સુધારા હેઠલ જેલોના નાસ્તાના મેન્યૂમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

જેલ વિભાગના ઉપપ્રમુખ બઝલુર રાશિદે જણાવ્યું કે, બાંગ્લાદેશના ૮૧ હજારથી વધુ કેદીઓને હવે બ્રેડ અને ગોળના બદલે અલગ-અલગ પ્રકારનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૮મી સદીમાં બ્રિટિશ શાસકોએ કેદીઓને બ્રેડ અને ગોળ નાસ્તામાં આપવાની શરૂઆત કરી હતી અને છેલ્લા ૨૦૦ વર્ષથી આ સિલસિલો ચાલતો આવ્યો હતો.

રાશિદે જણાવ્યું કે, નવા મેન્યૂ પ્રમાણે કેદીઓને હવે નાસ્તામાં બ્રેડ, શાક, મીઠાઈઓ, ખિચડી વગેરે જેવો પૌષ્ટિક આહાર પણ આપવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશની ૬૦ જેલમાં ૩૫ હજાર કેદીઓ છે, પરંતુ ત્યાં હંમેશા ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાની ફરિયાદો ઉઠતી રહે છે. અવારનવાર માનવઅધિકાર સંગઠનો પણ તેની આકરી ટીકા કરતા આવ્યા છે. બાંગ્લાદેશની જેલોમાં કેદ કેદીઓ ઘણા સમયથી નાસ્તા અને ભોજનની ગુણવત્તા તથા પ્રમાણ અંગે ફરિયાદ કરતા હતા.

રાશિદે વધુમાં જણાવ્યું કે, કેદીઓને સમાજની મુખ્યધારા સાથે જોડવા, તેમને આગળ વધવા પ્રોત્સાહિત કરવા અને તેમના પુનર્વાસના ઉદ્દેશ્યથી જેલોના નિયમો અને કાયદામાં મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે અને નાસ્તાનું મેન્યૂ બદલવું આ સુધારાનો જ એક ભાગ છે.

નવા મેન્યૂ પ્રમાણે નાસ્તો મળવાથી કેદીઓ ખુશ થયા છે અને તેમણે સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. સરકારે આ ઉપરાંતકેદીઓ માટે સાવ ઓછા ભાવે ફોન કૉલ કરવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. હવે કેદીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેમના પરિવારજનો સાથેવીડિયોકૉલથી વાતચીત કરી શકે છે.

(3:27 pm IST)