Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજકોટમાં મેઘરાજાની શાનદાર પધરામણી : બોણીમાં બે ઇંચ

વહેલી સવારે ઝરમર વરસ્યા બાદ તડકોઃ બપોરથી ફરી રીમઝીમ વરસાદઃ હળવા ભારે ઝાપટા ચાલુઃ વાતાવરણ ઠંડુગારઃ મેઘાવી માહોલઃ શાસ્ત્રી-મેદાન-રેસકોર્ષમાં પાણી ભરાયાઃ રસ્તાઓમાં ખાબોચિયા ભરાયા :રેસકોર્ષમાં તળાવ સર્જાયું

રેસકોર્ષ મેદાનમાં આજે વરસાદના કારણે પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને ગારા-કિચડનુ સામ્રાજય  સર્જાયું હતું. તે વખતની તસ્વીરમાં ફનવર્લ્ડ પાછળ આવેલ આ મેદાનમાં ચકરડીવાળાઓનો સામાન પાણીમાં પલળી રહેલો નજરે પડે છે તેમજ આ મેદાનમાં આવેલ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એરથીયેટરની સામેના મેદાનમાં પાણીનું  તળાવ   ભરાયેલું નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તો., ૧૮: વાયુ વાવાઝોડાની અસરના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટ શહેરમાં પણ અગાઉ ભારે પવન અને હળવા-ભારે ઝાપટા પડયા હતા. આ દરમિયાન ગઇકાલથી ફરી શહેર ઉપર મેઘાવી માહોલ છવાયો હતો અને સતત વરસાદી ઝાપટાઓ વરસી રહયા છે. જો કે ધોધમાર નહિ પણ ઝરમર ઝરમર વરસી રહેલા મેઘરાજાએ હેત વરસાવ્યું હતુ અને બપોર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આજે વહેલી સવારે ૭ વાગ્યાથી રાજકોટનું આકાશ વરસાદી વાદળોથી છવાઇ ગયું હતું અને સતત હળવા-ભારે વરસાદી ઝાપટાઓ વરસતા શહેરના રાજમાર્ગો ઉપર પાણીના ખાબોચીયાઓ ભરાયા હતા. રેસકોર્ષ તથા શાસ્ત્રીમેદાનમાં પણ પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક વિસ્તારોમાં ગારા-કિચડની સમસ્યા પણ ઉભી થઇ હતી.

ફાયર બ્રિગેડમાં નોંધાયેલા આંકડા મુજબ આજે બપોરે ર વાગ્યા સુધીમાં શહેરના ત્રણેય ઝોનમાં મળી ર ઇંચ વરસાદ વરસી ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે પાંચ વાગ્યાથી વરસાદી ઝાપટા શરૂ થયા હતા અને બપોર સુધીમાં શહેરના કાલાવડ રોડ એટલે કે વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન એટલે કે મધ્ય રાજકોટ, ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠો આ ત્રણેય ઝોનમાં મળી બપોર સુધીમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં બે ઇંચ જેવો વરસાદ પડયો હતો.

(3:36 pm IST)