Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શિરડી મંદિરમાં સિક્કાઓનો ઢગલોઃ રાખવા કયાં? સમસ્યાઃ બેંકો લેતી નથી

એક અઠવાડિયામાં ૧૪ લાખ રૂપિયા દાનપેટે, પરંતુ સિક્કા સ્વરુપે આવતા દુવિધા

મુંબઇ, તા.૧૮: દેશના પૈસાદાર મંદિરો પૈકી એક શિરડીનું સાંઇ મંદિર ટ્ર્સ્ટ એક અલગ જ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. મંદિર ટ્ર્સ્ટ મુજબ દાનમાં આવતા સિક્કાઓની સંખ્યા એટલી વધારે છે કે બેન્કોએ પણ તેને રાખવાની જગ્યા ન હોવાનું જણાવી લેવા મનાઇ કરી દીધી છે.

માનવામાં આવે છે કે, સાંઇ દુનિયાભરના દુખિયારાઓના દુખ દૂર કરે છે, પરંતુ હાલના સમયમાં સાંઇ મંદિર જ મોટી ચિંતામાં સરી પડયું છે. ચિંતા છે મોટી સંખ્યામાં આવતા દાનરુપી સિક્કા. મંદિર ટ્ર્સ્ટ મુજબ એક અઠવાડિયામાં લગભગ ૧૪ લાખ રુપિયાના સિક્કા દાનપેટે આવે છે. જેને કયાં મૂકવા તે મોટી સમસ્યા બની ચૂકી છે.

શિરડીમાં સાંઇ મંદિર ટ્રસ્ટના આઠ અલગ બેન્કોમાં ખાતા છે અને આ બધી જ બેન્કો સિક્કા રાખવાની જગ્યા ન હોવાનું જણાવી સિક્કા લેવા માટે ના પાડી રહી છે.

ટ્ર્સ્ટના સીઇઓ દીપક મુગલિકર મુજબ એક સપ્તાહમાં બે વાર દાનપેટે આવતું દાન ગણવામાં આવે છે. એક સમયે ગણતરીમાં બે કરોડ રુપિયા સુધીનું દાન મળ્યું હતું. જેમાં સાત લાખ સુધીના સિક્કા હતા અને બેન્કે લેવા માટે મનાઇ કરી હતી.

(11:40 am IST)