Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

નવી શિક્ષણ નીતિ

સાયન્સ-આર્ટસ સાથે થઇ શકશે પ્રાઇવેટ સ્કુલ 'પબ્લીક' લખી નહિ શકે

ગ્રેજયુએશન સ્તરના અભ્યાસમાં ધરખમ પરિવર્તન આવશેઃ સાયન્સ-આર્ટસ-કોમર્સ વચ્ચેની દિવાલ તૂટી જશે

નવી દિલ્હી તા. ૧૮ :.. નવી શિક્ષણ નીતિની ભલામણોને જો મોદી સરકાર લાગુ કરશે તો ગ્રેજયુએશન લેવલના ભણતરમાં બહુ મોટા ફેરફાર થશે. પ્રસ્તાવિત શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રેજયુએશન ના લેવલ પર સાયન્સ, કોમર્સ અને આર્ટસ વચ્ચેની દિવાલો તૂટી જશે. ભલામણ અનુસાર ગ્રેજયુએશનમાં વિદ્યાર્થીઓ સાયન્સ અને આર્ટસ બન્ને વિષયો લઇને સાથે અભ્યાસ કરી શકે છે. એટલે કે કોઇ વિદ્યાર્થી મુખ્ય વિષય તરીકે ઇતિહાસમાં ગ્રેજયુએશન કરી શકે છે અને સાથે ફીઝીકસ પણ રાખી શકશે. આ ઉપરાંત ૪ વર્ષના અભ્યાસમાં તેને ઘણી વાર અભ્યાસ છોડવાનો વિકલ્પ અપાશે અને દરેક સ્તર માટે તેને ડીગ્રી મળી શકશે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફટ હમણાં જ બહાર પડાયો છે.

ડ્રાફટ શિક્ષણ નીતિની સૌથી મોટી વાતોમાં એક એ છે કે બધા પ્રકારના પૈરા ટીચરની નિયુકત પર ર૦રર સુધી રોક લગાવીને પહેલાથી ચાલી રહેલા પદ પણ સમાપ્ત કરવાનું કહેવાયું છે. કમિટીનું માનવું છે કે પૈરા ટીચરની નિયુકતમાં સ્તરનું ધ્યાન નથી રખાયું અને તેના કારણે શિક્ષણ વ્યવસ્થાને અસર થઇ રહી છે.

નવી શિક્ષણ નીતિમાં એ વાતની ભલામણ કરાઇ છે કે કોઇપણ પ્રાઇવેટ સ્કુલ પોતાના નામમાં પબ્લીક શબ્દનો ઉપયોગ ન કરે. સાથે જ જે સ્કુલોના નામમાં પહેલાથી જ આ શબ્દ વપરાય છે તેઓ પણ  તેને હટાવી દે. ભલામણ મુજબ પબ્લીક શબ્દનો ઉપયોગ ફકત એવી શિક્ષણ સંસ્થાઓ જ કરી શકે જે સરકારી અનુદાન અથવા સરકાર દ્વારા ચાલે છે.

(11:35 am IST)