Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોદીએ ફરી સૌને ચોંકાવ્યા

લોકસભાના અધ્યક્ષ પદ માટે ઓમ બિડલા NDAના ઉમેદવાર

રાજસ્થાનના કોટા-બુંદી ક્ષેત્રના સાંસદ છે : ત્રણ વાર ધારાસભ્ય અને બે વખત સાંસદ તરીકે રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૮  : ૧૭મી લોકસભામાં એનડીએ દ્વારા લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે. સુત્રોના કહેવા મુજબ રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર રહેશે. લોકસભા સચિવાલયના સુત્રોએ કહ્યું છે કે, આ હોદ્દા માટે બિડલા તરફથી તેમની દાવેદારીની નોટિસ મળી ગઈ છે. રાજસ્થાનના ૧૩મી લોકસભાની અવધિ દરમિયાન તેઓએ ૫૦૦ સવાલ કર્યા હતા. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સક્રિયરીતે હિસ્સો લેવા બદલ બિડલાને સન્માન મળ્યું હતું અને તેમનું નામ સંસદમાં તારલામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાજનેતા હોવાની સાથે સાથે ઓમ બિડલા એક કારોબારી પણ રહ્યા છે. કેન્દ્રની રાજનીતિમાં આવતા પહેલા બિડલા રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. કોટા દક્ષિણ સીટ પરથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૦૩માં જ્યારે વસુંધરા રાજેની સરકાર બની હતી ત્યારે તેમને સંસદીય સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૦૮માં ફરીવાર ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૩માં સતત ત્રીજીવાર ઓમ બિડલા વિધાનસભાને પાર કરવામાં સફળ રહ્યા હતા. ભાજપે કોટા-બુંદી સંસદીય સીટ પરથી તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. ૫૬ વર્ષીય ઓમ બિડલા સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીતી ગયા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓએ રાજપરિવારથી આવનાર કોંગ્રેસના ઇજ્યરાજસિંહને બે લાખથી વધુ મતથી હાર આપી હતી. બિડલાના પત્નિ અનિતા બિડલાનું કહેવું છે કે, અમારા માટે ખુબ ગર્વ અને ખુશીની બાબત છે. અમે આ પોસ્ટ માટે પસંદગી કરવા બદલ કેબિનેટપ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ઓમ બિડલાની છાપ એક કુશળ સંગઠન કાર્યકર્તા તરીકે પણ છે.

(7:39 pm IST)