Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ટૂંક સમયમાં પેટ્રોલ-ડિઝલ સુપર માર્કેટમાંથી મળશે

મોદી સરકાર આમ આદમી માટે ઇંધણને સુલભ બનાવવા માંગે છેઃ કંપનીઓ માટે નિયમો હળવા કરાશેઃ વિદેશોમાં પેટ્રોલ-ડીઝલ સુપર માર્કેટમાં મળે જ છે

નવી દિલ્હી તા. ૧૮ :.. બની શકે કે ટૂંક સમયમાં તમે સુપર માર્કેટમાંથી પોતાના જરૂરી સામાનની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલ પણ ખરીદી શકો. સામાન્ય માણસ માટે ઇંધણને સુલભ બનાવવા માટે સરકાર સુપર માર્કેટને પેટ્રોલ અને ડીઝલ વેચવાની પરવાનગી આપી શકે છે. આના માટે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય સરકાર બન્યાના ૧૦૦ દિવસમાં એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરી શકે છે. જેના હેઠળ કંપનીઓ માટે પેટ્રોલ ના છૂટક ધંધામાં ઉતરવાના નિયમો સરળ બનાવી દેવાશે. હાલના નિયમો મુજબ પેટ્રોલના છૂટક ધંધામાં ઉતરવા માટે કંપની પાસે ઘરેલુ બજારમાં બુનિયાદી માળખાના રોકાણ માટે ર૦૦૦ કરોડ રૂપિયા હોવા જોઇએ અથવા તેણે ૩૦ લાખ ટન કાચા તેલની ખરીદી માટે જરૂરી રકમ જેટલી બેંક ગેરંટી આપવી પડે.

સરકાર આ નિયમોને સરળ બનાવે તો ફયુચર ગ્રુપ, રિલાયન્સ રિટેલ અને વોલ માર્ટ જેવી મલ્ટી બ્રાંડ રીર્ટલ કંપનીઓ માટે પેટ્રોલ-ડીઝલ વેચવાનો રસ્તો સરળ બની શકે છે.

સુત્રો અનુસાર ટૂંક સમયમાં જ આ અંગે કેબિનેટ, પ્રસ્તાવ તૈયાર થઇ શકે છે અને મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા ૧૦૦ દિવસના એજન્ડામાં આ મહત્વપૂર્ણ રણનીતિ બની શકે. છે. નિયમો માં છૂટથી સઉદી અરામકો જેવી દિગ્ગજ આંતર રાષ્ટ્રીય કંપનીઓને પણ ભારતમાં તેલના રીટેલ માર્કેટમાં ઉતરવાની તક મળશે. આરામકોએ ભારતના રીટેલ ફયુઅલ માર્કેટમાં દિલચસ્ત બતાવી છે.

બ્રિટનમાં સુપર માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલ ઘણા સમયથી વેચાય જ છે અને તે યોજના બહુ સફળ છે. તેને જોઇને ભારતમાં  પણ આના પર વિચાર ચાલી રહ્યો છે. બ્રિટેનની સંસ્થા પેટ્રોલ રિટેલર્સ એસોસીએશન (પીઆએ) ના અંદાજ મુજબ એપ્રિલમાં દેશમાં પેટ્રોલનાં કુલ વેચાણમાં સુપર માર્કેટનો હિસ્સો લગભગ ૪૯ ટકા હતો અને ડીઝલના વેચાણમાં ૪૩ ટકા હતો. ત્યાં ટેસ્કો, સેન્સબરી, એસ્ડા અને મોરીસન ઇંધણ વેચી રહી છે.

ભારતમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની વાળી સમિતિએ આની ભલામણ કરી હતી ત્યાર પછી સરકાર આ અંગેના નિયમો સહેલા બનાવવાના ઉપાયો કરી રહી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ પેટ્રોલીયમ સચિવ જી. સી. ચતુર્વેદી, ઇન્ડીયન ઓઇલના ભુતપુર્વ અધ્યક્ષ એમ. એ. પઠાણ તથા પેટ્રોલીયમ મંત્રાલય હેઠળ વિતરણનું કામકાજ સંભળતા સંયુકત સચિવ આશુતોષ જીંદાલ પણ સામેલ હતાં. પેટ્રોલીયમ યોજના અને વિશ્લેષણ વિભાગના આંકડાઓ અનુસાર એપ્રિલ ર૦૧૯ માં સતત ર૦ મા મહીને પેટ્રોલની ખપતમાં વધારો નોંધાયો અને એ ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં ૭.૬ ટકા વધારે હતી. સામાન્ય લોકો સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચાડવાનું સરળ બનાવવા માટે ગયા વર્ષે માર્ચમાં પુણેમાં ડીઝલનું વેચાણ ઘરો પર કરવામાં આવ્યું હતું.

(2:43 pm IST)