Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કોકા કોલાના પાવરએડ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ૧૫ કરોડ

મહેન્દ્ર સિંહ ધોનીની જાહેરાતોમાં સતત ઉલ્લેખનીય વધારો : મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ૩૦થી વધારે કંપનીઓની બ્રાન્ડમાં સામેલ થયેલો છે : જાહેરાત માટે ૫-૮ કરોડ મેળવે છે : અહેવાલ

નવી દિલ્હી,તા. ૧૭ : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન તરીકે રહી ચુકેલા અને હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોની હવે કોકાકોલાના પાવર એડ માટે એડમાં કામ કરશે. આના માટે ધોનીને ૧૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ધોની ફરી એકવાર કોલા સેગમેન્ટમાં પરત ફરી રહ્યો છે. ધોની કોકાકોલાની તરફથી તાજેતરમાં લોંચ કરવામાં આવેલા ગ્લોબલ સ્પોર્ટ્સ ડ્રિંક, પાવરએડ માટે પ્રચાર કરશે. ત્રણ વર્ષની આ ડીલ ૧૫ કરોડ રૂપિયામાં થઈ છે. ધોનીનું પ્રતિનિધિત્વ કરનાર સ્પોર્ટ્સ માર્કેટિંગ અને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના ચેરમેન અરૂણ પાંડેએ કહ્યું છે કે, આ ડીલ થઈ ચુકી છે પરંતુ આના માટે ધોનીને કેટલા રૂપિયા મળશે તે અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ધોનીએ કોકાકોલાના પાવરએડ માટે મોટી ડીલ શાઈન કરી દીધી છે. ધોની સાથે હાલમાં ૩૦થી વધારે બ્રાન્ડ જોડાયેલી છે. આ સંદર્ભમાં કોકાકોલાના પ્રવક્તાએ કોઈ ટિપણી હજુ સુધી કરી નથી. ૨૦૧૬માં કોકાકોલાની હરિફ કંપની પેપ્સીકો અને ધોનીને વચ્ચે ૧૧ વર્ષના સંબંધનો અંત આવી ગયો હતો. આ ગાળા દરમિયાન ધોનીએ પેપ્સીકોલા અને લેઝ ચીપ્સ બંન્નેના પ્રચારમાં ભૂમિકા ભજવી હતી. ધોની મોટી કંપનીઓ સાથે પહેલા પણ જોડાયેલો રહ્યો છે. કોકાકોલા દ્વારા પાવરએડ માટે ધોનીની સાથે મલ્ટી મીડિયા ઝુંબેશની યોજના બનાવી છે. ૩૭ વર્ષીય ધોનીના બ્રાન્ડ વેલ્યુ અને જાહેરાતમાં છેલ્લા બે વર્ષમાં તેજી આવી છે. ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી બાદ તેની પાસે જાહેરાતો ઘટી ગઈ હતી. ધોની હવે એક જાહેરાત કરવા માટે ૮ કરોડ રૂપિયા સુધી મેળવે છે. ધોનીએ હાલમાં સતત વ્યસ્ત રહ્યો છે.

(12:00 am IST)