Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

યુપીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા સપાનો સ્પષ્ટ ઇનકાર

બસપ, આરએલડી સાથે અખિલેશ ગઠબંધન કરશેઃ અખિલેશ આજે દિલ્હીમાં જુદા જુદા પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરશે : કોંગ્રેસને માત્ર બે બેઠકો આપવા ઇચ્છુક

નવી દિલ્હી,તા. ૧૮ : ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનની રચના કરવાના પ્રયાસને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે, ૨૦૧૯માં ભાજપની સામે મોરચો બનાવવામાં લાગેલા સમાજવાદી પાર્ટીએ સંકેત આપ્યો છે કે, તે મહાગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવા માટે ઇચ્છુક નથી. સુત્રોના કહેવા મુજબ સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર રાયબરેલી અને અમેઠી સીટ આપવા માટે ઇચ્છુક છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આવતીકાલે મંગળવારના દિવસે દિલ્હી પહોંચનાર છે અને તેઓ આ મામલા પર વિપક્ષી દળો સાથે વાતચીત કરનાર છે. સમાજવાદી પાર્ટી રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવારની સામે કોઇ ઉમેદવારને મેદાનમાં ઉતારશે નહીં. પાર્ટીએ રાજ્યમાં ગઠબંધન માટે બહુજન સમાજ પાર્ટી અને આરએલડીની સાથે વાતચીત પૂર્ણ કરી લીધી છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીથી બોધપાઠ લઇને સમાજવાદી પાર્ટી આ વખતે કોઇ જોખમ લેવા તૈયાર નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સમજૂતિ થઇ હતી. સમાજવાદી પાર્ટી માયાવતીના નેતૃત્વમાં બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન માટે તૈયાર છે. કારણ કે, આ ગઠબંધનથી સમાજવાદી પાર્ટીને કોંગ્રેસની સરખામણીમાં વધારે લાભ મળવાની શક્યતા છે. એમ માનવામાં આવે છે કે, અખિલેશ બહુજન સમાજ પાર્ટીની સાથે કોઇપણ પ્રકારના સમીકરણ બેસાડવા માટે તૈયાર છે પરંતુ કોંગ્રેસ સાથે આ પ્રકારની સમજૂતિ કરવા તૈયાર નથી. અખિલેશ દલિતો, પછાત અને મુસ્લિમ ગઠબંધન બનાવવા માટે ઇચ્છુક છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ખુબ ઓછા મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને કોંગ્રેસના કારણે ભારે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી હવે સાવધાન રહેવા માટે ઇચ્છુક છે.

 

(7:57 pm IST)