Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આઇલેન્ડના સક્રિયમાં થયેલા કિલાઉ જ્વાળામુખીએ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું: લાવાની નદીઓ વહેતી થઇઃ આસપાસના વિસ્‍તારો વધુ જોખમકારક બન્યા

હવાઇઃ છેલ્લા ઘણા સમયથી હવાઇના બિગ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અંદાજે દોઢ મહિનાથી ફાટી નીકળેલા જ્વાળામુખીને કારણે લાવાની નદી વહેતી થઇ છે. સ્થાનિક પ્રસાશને હાઇ એલર્ટ જાહેર કરી જણાવ્યું કે આસપાસના વિસ્તારોમાં લાવા વધુ જોખમકારક બન્યો છે.

8 નંબરની ફિશરમાંથી ઇસ્ટ રિફ્ટ ઝોન તરફ લાવા વહી રહ્યો છે. આ લાવા કાપોહો બૅમાં ફેંકાઇ રહ્યો છે જેના કારણે બ્લાસ્ટ્સ થઇ રહ્યા છે. લાવા અને પાણી ભળવાની સાથે જ અહીંના હવામાનમાં વોગ (ધુમ્મસ અને લાવાનો ધુમાડો) જોવા મળે છે. આઇલેન્ડના સાઉથ તરફ આવેલા હિલો અને કોના સિટીમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. લાવા અને ઝાકળ ભળવાના કારણે તૈયાર થતા 'લેઝ'ના કારણે વાતાવરણમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને વોલ્કેનિક ગ્લાસ પાર્ટિકલ્સ એકઠાં થઇ રહ્યા છે.

વોગમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ભયજનક ગેસના કારણે ઝેરી વાદળો ભરાઇ રહ્યા છે. આ સિવાય સતત ભૂકંપના આંચકા હજુ પણ યથાવત છે. જ્વાળામુખીમાંથી અત્યારે 170 ફૂટ ઊંચે બ્લાસ્ટ થઇ રહ્યા છે. શનિવારે અહીં 200 ફૂટ ઉંચે બ્લાસ્ટ થયા હતા. જ્યારે થોડાં દિવસો પહેલાં આવેલા વરસાદના કારણે અહીં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

હવાઇ ઓથિરિટીના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 6.26 વાગ્યે કિલાઉ સમિટમાંથી રાખ અને ધૂમાડાના બ્લાસ્ટ થઇ રહ્યા છે. જેથી સ્થાનિકોને તેઓના ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલ 8 નંબરની ફિશર સૌથી વધુ એક્ટિવ થઇ છે જ્યારે 16 નંબરની ફિશરમાંથી લાવા અને બ્લાસ્ટનું પ્રમાણ ઘટ્યું છે.

3 મેથી સક્રિય થયેલા લાવાના કારણે 9 સ્ક્વેર માઇલનો એરિયા નષ્ટ થયો છે જ્યારે 467 ઘરો બળીને ખાખ થઇ ગયા છે. હવાઇ ગવર્મેન્ટે બે ઇમરજન્સી શેલ્ટર અને ડિઝાસ્ટર રિકવર સેન્ટર ખોલ્યા છે. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, લાવાના કારણે જે લોકોને આર્થિક નુકસાન થયું હોય તેઓએ ડિઝાસ્ટર આસિસ્ટન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

(6:32 pm IST)