Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કોઇના ઘરમાં ધરણા કેવી રીતે? કેજરીવાલને હાઇકોર્ટની લપડાક

આપના મંત્રીઓના ધરણા પર બેસવાને લઇને હાઇકોર્ટે કર્યા અનેક પ્રશ્નો

નવી દિલ્હી તા. ૧૮ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના મંત્રીઓ ધરણા પર બેસવાને લઇ હાઇકોર્ટે કેટલાંય પ્રશ્નો કર્યા છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની અરજી પર સુનવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે સોમવારના રોજ પૂછયું કે ધરણાં પહેલાં એલજી પાસેથી સહમતિ કેમ લીધી નહોતી? ગુપ્તાએ દિલ્હીના સીએમ અને મંત્રીઓના ધરણા પૂરા કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

દિલ્હી સરકારના વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે આઇએએસ અધિકારીઓએ મીટિંગમાં ભાગ લેવાની વાત ખુદ સ્વીકાર કરી છે. તેના પર હાઇકોર્ટે કહ્યું કે મુદ્દો એ છે કે તમે ધરણા પર બેઠા છો, પરંતુ તમને ધરણાં કરવાની અનુમતિ કોને આપી? તેના જવાબમાં દિલ્હી સરકારના વકીલે કહ્યું કે આ કોઇનો વ્યકિતગત નિર્ણય છે. હાઇકોર્ટે તેના પર પૂછયું કે શું આ સંવૈધાનિક છે?

હાઇકોર્ટે એલજીની ઓફિસમાં ધરણાને લઇ પણ ઘણી ટિપ્પણીઓ કરી. કોર્ટની બેન્ચે કહ્યું કે આ ધરણાં નથી. તમે કોઇના ઘર કે ઓફિસમાં ઘૂસીને હડતાલ કે ધરણાં કરી શકો નહીં. કોર્ટે એમ પણ પૂછયું કે ધરણાંનો આ નિર્ણય વ્યકિતગત હતો કે પછી કેબિનેટની મંજૂરીમાંથી લીધેલો નિર્ણય હતો. આપને જણાવી દઇએ કે છેલ્લાં ૮ દિવસથી દિલ્હી સરકારના મંત્રી એલજી ઓફિસમાં ધરણાં પર બેઠા છે.

આ બધાની વચ્ચે એમ પણ સમાચાર આવ્યા છે કે આગળની રણનીતિ પર ચર્ચા માટે અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે એક અગત્યની બેઠક બોલાવી છે. સતત ઉપવાસના લીધે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી ગઇ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

(3:40 pm IST)