Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અહેમદ પટેલે મમતા બેનરજી સાથે કરી મુલાકાત

૨૦૧૯માં મમતાનો રોલ હશે મોટો?

નવી દિલ્હી તા. ૧૮ : દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધરણા બાબતે અલગ અલગ અભિપ્રાય હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા.

નવી દિલ્હીના ચાણકયપુરી ખાતે આવેલા બાંગ્લા ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તૃણમુલ કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અહેમદ પટેલની મુલાકાત આગામી ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે કોંગ્રેસની તૈયારી તેમજ આ માટે મમતા બેનરજીનું મહત્વન કેટલું છે તે દર્શાવે છે.

ટીએમસીના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીએ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'અહેમદ પટેલ અને મમતા બેનરજી વચ્ચેની મુલાકાત રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધીની સૂચના બાદ અહેમદ પટેલે મમતા બેનરજી સાથે મુલાકાત કરી છે. બીજેપી વિરુદ્ઘ અન્ય પાર્ટીઓને એક કરવામાં મમતા આજકાલ મહત્વનો રોલ અદા કરી રહ્યા છે. દેખીતી રીતે કોંગ્રેસ આ ગઠબંધનનો ભાગ બનવા માંગે છે.'

નવી દિલ્હી ખાતે કેજરીવાલ એલજી વિરુદ્ઘ છેલ્લા સાત દિવસથી ધરણા કરી રહ્યા છે ત્યારે અલગ અલગ સ્થાનિક પાર્ટીઓએ તેમને સમર્થન આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ પણ અરવિંદ કેજરીવાલને તેમનું સમર્થન જાહેર કર્યું છે. આ ઉપરાંત તેલુગૂ દેશમ પાર્ટી, જનતા દળ (સેકયુલર) અને ડાબેરીઓએ આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું છે, જયારે કોંગ્રેસે કેજરીવાલના ધરણાની ટીકા કરી છે.

નોંધનીય છે કે કેજરીવાલ અને તેમની કેબિનેટના ત્રણ સભ્યો છેલ્લા સાત દિવસથી એલજીના વેઇટિંગ રૂમ ખાતે ધરણા પર બેઠા છે. તેમનો આક્ષેપ છે કે દિલ્હીમાં આઈએએસ અધિકારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, તેઓ સરકારના મંત્રીઓ સાથે વાતચીત નથી કરતા અને બેઠકમાં પણ ભાગ નથી લેતા. કેજરીવાલ માંગણી કરી રહ્યા છે કે એલજી તેમને કામ પર પરત ફરવાનો આદેશ કરે.(૨૧.૧૫)

(1:03 pm IST)