Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મધ્યપ્રદેશના શાજાપુરમાં ડીજે ના અવાજને લઇને બે સમુદાયોમાં હીંસા

૧૪૪ મી કલમ લાગુ-સ્થિતિ નિયંત્રણમાં

ચોપાલ તા.૧૮: મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યા પ્રમાણે શાજાપુર શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે યોજાયેલ સરઘસ દરમિયાન ડી જે વગાડવા બાબતે શરૂ થયેલ વિવાદ આજ તો શાંત છે. જો કે આખા ઇલાકામાં સાવચેતી રૂપે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઇ છે. ગઇકાલે બે સમુદાયો વચ્ચે થયેલી માથાકુટે હિંસકરૂપ લઇ લીધું હતું. ટોળાએ ૪૦ વાહનોમાં આગચાંચી હતી અને ધર્મ સ્થાનોને પણ નુકશાન પહોંચાડયું હતું. જો કે પોલીસનું કહેવું છે કે પાંચ વાહનો ને જ બાળવામાં આવ્યા હતા અને ધર્મસ્થાનો પર હુમલો નથી થયો. પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા શહેરમાં પોલીસ બળ તૈનાત કરી દેેવાયું છે.

પોલીસ અધિકારી યજ્ઞસિંહ બધેલે જણાવ્યું કે શાજાપુર શહેરમાં ૧૪૪ મી કલમ લગાવી દેવાઇ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહયું કે પોલીસે હીંસા રોકવા માટે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસ છોડયો હતો. સ્થિતિને તરત કાબુમાં લેવાઇ હતી.

નજરે જોનારાઓના કહેવા પ્રમાણે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સરઘસ પસાર થઇ રહયું હતું તેના પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પછી બંન્ને જુથો વચ્ચે હીંસા ફેલાઇ હતી જેમાં થોડીક મોટરસાયકલો ને બાળી નાખવામાં આવી હતી. (૧.૯)

(11:37 am IST)