Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સૌરાષ્ટ્રમાં ૧ જૂલાઇ સુધી લંબાઇ શકે છે ચોમાસુ : ખેડૂતોને આગોતરૂ વાવેતર ન કરવા સલાહ

સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વરસાદની ૧૦ દિવસ રાહ જોવી પડશે

નવી દિલ્હી તા. ૧૮ : રાજયમાં ધરતીપુત્ર જેની રાહ જોઇ રહ્યાં છે તે મેઘરાજા ટૂંક સમયમાં જ દસ્તક દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે, રાજયામાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, સવારથી જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, વરસાદી માહોલને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો અંબાજી, સુરત, વલસાડમાં વરસાદી માહોલ સર્જાયો છે.

બીજી બાજુ હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વરસાદની ૧૦ દિવસ રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર્માં ૧ જૂલાઇ સુધી ચોમાસું લંબાઇ શકે તેની પ્રબળ શકયતાઓ દેખાઇ રહી છે. ત્યારે ખેડૂતોએ આગોતરું વાવેતર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

રવિવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવી બેટિંગ કર્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ વળ્યા હતા, અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાનું કહેવું છે કે થોડા જ દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે.

બીજી બાજુ અંબાજી પંથકમાં સોમવાર સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જો કે સાથે ઠંડો પવન ફુંકાતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. જો કે અંબાજી પંથકમાં વરસાદ પડ્યાંનું જાણવા મળ્યું નથી.(૨૧.૧૬)

 

(4:22 pm IST)