Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

GSTને વર્ષ પૂ રું થઇ રહ્યું છે છતાં હજુ ઘણાં વેપારીઓને રિફંડના ફાંફા

વેપારીઓને રિફંડ નહીં મળે તો સરકાર સામે આંદોલન પાક્કું !: કસ્ટમના રિફંડ પખવાડિયાનો પણ લગભગ ફિયાસ્કો, એકસપોર્ટર્સ નિરાશ

નવી દિલ્હી તા. ૧૮ : 'એક દેશ એક કર'ના સૂત્ર સાથે અમલી બનાવાયેલા GSTના કાયદાને એક વર્ષ પુરું થઇ રહ્યું છે ત્યારે સરકારની તિજોરીમાં વેપારીઓના 'કર'ના રૂપિયા આવી ગયા છે પરંતુ વેપારીઓને મહિનાઓથી રિફંડ મળતું નથી. GSTના અમલ ટાણે વેપારીઓ રિફંડ માટે કલેઇમ કરે તો ગણતરીના દિવસોમાં જ રિફંડ મળી જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પણ વરવી વાસ્તવિકતા એ છે કે મહિનાઓથી વેપારીઓ અને એકસપોર્ટર્સ રિફંડ માટે વલખાં મારી રહ્યાં છે.

એક તરફ સરકારને ટેકસ વહેલો લઇ લેવો છે પરંતુ વેપારીઓને તેમના હક્કના રિફંડના રૂપિયા આપવા નથી. છેલ્લા ઘણા સમયથી વેપારી અને જુદા જુદા વેપારી સંગઠનોમાં જો હવે રિફંડ નહીં મળે તો આંદોલન માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

૧લી જૂલાઇ, ૨૦૧૭ના રોજથી ભારે વિવાદો સાથે GSTનો અમલ શરૂ થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન સરકારે GSTમાં સેંકડો સુધારા-વધારા કર્યાં છે પરંતુ રિફંડના મુદ્દે કોઇ જ નિયમ લાગુ પડતા નથી. છેલ્લા એક વર્ષ દરમિયાન વેપારીઓ- એકસપોર્ટરોની બે મુખ્ય ફરિયાદો રહી છે. જેમાં પહેલી એ છે કે GSTનું પોર્ટલ બરોબર કામ કરતું નથી. બીજી ફરિયાદ એ છે કે રિફંડ આપવામાં ડિપાર્ટમેન્ટ આડોડાઇ કરી રહ્યું છે.વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે રિફંડ માટે જુદા જુદા કાર્યક્રમોની જાહેરાત કરી છે પરંતુ તેનો અમલ માત્ર કાગળો ઉપર જ થયો છે. તાજેતરમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટનું રિફંડ પખવાડિયું પૂર્ણ થયું છે, તેમાં પણ એકસપોર્ટર્સને રિફંડ મળ્યા જ નથી. અધિકારીઓ સંપૂર્ણ સિસ્ટમ કમ્પ્યૂટરાઇઝડ હોવાથી કોઇ પણ ટેકનિકલ ખામીને લઇને રિફંડ અટકી પડ્યું હોવાના ખૂલાસા કરી રહ્યા છે.

આ રિફંડ ન મળતાં વેપારીઓની રોકડ રકમ લગભગ બ્લોક થઇ ગઇ છે. બીજી તરફ, સરકાર ચાલુ વર્ષથી વહેલો ટેકસ ઉઘરાવી લેવા માટે નિયમો બનાવી રહી છે ત્યારે વેપારીઓની એક જ ફરિયાદ છે કે પહેલાં અમારા રિફંડના નાણાં તો આપો પછી ટેકસ માગજો. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી રહી તો સરકારને વેપારીઓના રોષનો ચોક્કસ જ ભોગ બનવું પડશે.(૨૧.૮)

(10:00 am IST)