Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

'હું PM મોદીનો વિરોધી, પરંતુ દેશની વાત આવશે તો અમે સરકારનું કરીશું સમર્થન' : ઓવૈસીનું મોટું નિવેદન

ઓવૈસીએ કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગના સયુંક્ત રાષ્ટરના રિપોર્ટને ફગાવી દીધો

હૈદરાબાદ: AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારનું સમર્થન કરતા કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગના સયુંક્ત રાષ્ટ્રના રિપોર્ટને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ દેશનો આંતરિક મામલો છે.
   હૈદરાબાદ લોકસભા સદસ્ય ઔવૈસીએ મક્કા મસ્જિદમાં કહ્યું કે આ અમારા દેશની સંપ્રભુતાનો મામલો છે. તે ભારતનો મામલો છે. હું અંતિમ શ્વાસ સુધી પીએમ મોદીનો વિરોધ કરીશ પરંતુ જ્યારે દેશની વાત આવશે તો અમે સરકારનું સમર્થન કરીશું. પછી ભલે સરકાર ગમે તે પક્ષની હોય. તેમણે કહ્યું કે સયુંક્ત રાષ્ટ્ર દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં.

  સંયુક્ત રાષ્ટ્રે કાશ્મીર અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં કથિત માનવાધિકાર ભંગ પર પોતાનો પહેલો રિપોર્ટ 14 જૂનના રોજ બહાર પાડ્યો અને આ અંગે આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાની માગણી કરી. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયે 49 પાનાના આ રિપોર્ટમાં જમ્મુ કાશ્મીર (કાશ્મીર ઘાટી, જમ્મુ અને લદ્દાખ ક્ષેત્ર) અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (આઝાદ ઝમ્મુ કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન) બંને પર ભાર મૂક્યો.

  સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાને શાંતિપૂર્વક કામ કરનારા કાર્યકર્તાઓ વિરુદ્ધ એન્ટી ટેરરિસ્ટ કાયદાનો દૂરઉપયોગ રોકવા અને અસંતોષના અવાજના દમનને પણ બંધ કરવાનું કહ્યું. રિપોર્ટમાં કહેવાયું કે રાજ્યમાં લાગુ સશસ્ત્ર દળ (જમ્મુ કાશ્મીર) વિશેષાધિકાર અધિનિયમ 1990 (આફસ્પા) અને જમ્મુ કાશ્મીર લોક સુરક્ષા અધિનિયમ 1978 જેવા વિશેષ કાયદાએ સામાન્ય વિધિ વ્યવસ્થામાં વિધ્નો, જવાબદારીમાં અડચણો અને માનવાધિકાર ભંગના પીડિતો માટે ઉપચારાત્મક અધિકારમાં મુશ્કેલીઓ પેદા કરી છે.

  જેમાં 2016થી સુરક્ષા દળો દ્વારા કથિત અત્યાચારની ઘટનાઓ અને પ્રદર્શનોની જાણકારી છે. સયુંક્ત રાષ્ટ્ર સંસ્થાએ કહ્યું કે તેના રિપોર્ટના નિષ્કર્ષના આધારે કાશ્મીરમાં માનવાધિકાર ભંગના આરોપોની વિસ્તૃત નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ  કરાવવા માટે તપાસ આયોગની રચના થવી જોઈએ. સંસ્થાએ પાકિસ્તાન પાસે તેના કબ્જાવાળા કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાની પ્રતિબદ્ધતાઓનું સંપૂર્ણ સન્માન કરવાનું કહ્યું.

  રિપોર્ટ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભારતે આ રિપોર્ટને ભ્રામક અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધો. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો આકરો વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર આ વાતથી ઊંડી ચિંતામાં છે કે સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થાની વિશ્વસનીયતાને ઓછી કરવા માટે ખાનગી પૂર્વાગ્રહને આગળ વધારવામાં આવી રહ્યો છે.

  પીઓકે માટે આઝાદ જમ્મુ કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન જેવા શબ્દ પ્રયોગ પર આપત્તિ વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે રિપોર્ટમાં ભારતીય ભૂભાગનો ખોટુ વર્ણન શરારતપૂર્ણ, ગુમરાહ કરાનારો અને અસ્વીકાર્ય છે. આઝાદ જમ્મુ અને કાશ્મી તથા ગિલગિટ બાલ્ટિસ્તાન જેવું કઈ છે જ નહીં.

  વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં નિવેદન આપતા કહ્યું કે આ રિપોર્ટ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનો ભંગ કરે છે. સંપૂર્ણ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાને આક્રમણ દ્વારા ભારતના આ રાજ્યના એક ભાગ પર ગેરકાયદેસર કબ્જો જમાવેલો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ તથ્ય પરેશાન કરનારા છે કે રિપોર્ટ બનાવનારાઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ ધરાવનારા અને સયુંકત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકી સંગઠનોને હથિયારબંધ સંગઠન, અને આતંકવાદીઓને નેતા ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે આ બાબત આતંકવાદને જરાય સહન કરવામાં નહીં આવવાની યુએનની આમ સહમતિને ઓછી આંકે છે

(12:00 am IST)