Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

તાજના બંધ ૨૨ ઓરડાની તસવીરો ASIએ જારી કરી

તાજમહેલના ૨૨ બંધ ઓરડાને લઈને વિવાદ : આ રૃમોને ખોલવા માટે દાખલ કરેલી અરજી પર સુનાવણીના ત્રણ દિવસ પહેલા આ તસવીરો જારી કરવામાં આવી હતી

લખનૌ, તા.૧૮ : તાજમહેલના જે બંધ ૨૨ ઓરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે રૃમોની તસવીરો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ જારી કરી છે. આ રૃમોને ખોલવા માટે દાખલ કરેલી અરજી પર સુનાવણીના ત્રણ દિવસ પહેલા આ તસવીરો જારી કરવામાં આવી હતી. એએસઆઈએ ૯ મેના રોજ પોતાના જાન્યુઆરી ૨૦૨૨ ન્યૂઝલેટરને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં ઓરડાની કેટલીક તસવીરો શેર કરી હતી. આ બંધ રૃમોમાં રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું.

એએસઆઈના જણાવ્યા પ્રમાણે જ્યારે વર્ષ ૨૦૨૨માં તેમનું સમારકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન આ તસવીરો ખેંચવામાં આવી હતી. આ તસવીરો એસએસઆઈની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

હાલમાં કોર્ટે આ રૃમને ખોલવાની અરજીને બરતરફ કરી દીધી છે. આગરામાં ભાજપના યુવા મીડિયા પ્રભારી રજનીશ સિંહે અલ્હાબાદ હાઈ કોર્ટેની લખનૌ બેન્ચ સમક્ષ એર અરજી દાખલ કરી એએસઆઈને તાજમહેલના ૨૨ બંધ દરવાજાની તપાસ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જેથી એ જાણી શકાય કે, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે કે, નહીં. સિંહે દાવો કર્યો હતો કે, તાજમહેલ વિશે ખોટો ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે અને તેની સચ્ચાઈ જાણવા માટે દરવાજા ખોલવા જોઈએ.

અલ્હાબાદ હાઈ કોર્ટે લખનૌ બેન્ચને તાજમહેલની સચ્ચાઈ સામે લાવવા માટે હકીકત તપાસની માંગ કરતી અને આ વૈશ્વિક ધરોહર પરિસરમાં બનેલા ૨૨ રૃમોને ખોલવાનો આદેશ આપવાનો આગ્રહ કરતી અરજી ગુરૃવારે બરતરફ કરી દીધી હતી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે અરજી પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોર્ટ બેદરકારીપૂર્વક દાખલ કરવામાં આવેલી અરજી પર ભારતના બંધારણની કલમ ૨૨૬ હેઠળ આદેશ નહીં આપી શકે.

 

(8:04 pm IST)