Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભગવાનની મૂર્તિઓ ચોર્યા પછી દુઃસ્‍વપ્ન આવવા શરૂ થયા અને ચોર મૂર્તિઓ પરત મૂકી ગયા

લખનો, તા.૧૮: ઉત્તર પ્રદેશમાં એક ત્રણ સદી જૂના મંદિરમાંથી થોડા દિવસો પહેલા ચોર કેટલીક મૂર્તિઓ ચોરી કરી નાસી ગયા હતા. જોકે, પોલીસ અને મંદિરના વહીવટીતંત્રના આશ્‍ચર્ય વચ્‍ચે આ મૂર્તિઓ પરત પણ આવી ગઈ હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર ચોરોએ મૂર્તિ પરત કરવાની સાથે એક ચિઠ્ઠી મૂકી છે જેમાં ભગવાનની માફી માંગી જણાવ્‍યું છે કે ચોરી કર્યા પછી રાત્રે ઊંઘ આવી નહોતી અને દુઃસ્‍વપ્ન આવ્‍યા હતા. આ સપનાઓના કારણે લાગી રહ્યું છે કે પોતે ખોટું કર્યું છે એટલે મૂર્તિઓ પરત મૂકી જઈએ છીએ.

વિષ્‍ણુ ભગવાન અવતાર બાલાજીના મંદિરમાંથી થોડા દિવસો પહેલા ચોરોએ ૧૬ જેટલી મૂર્તિઓની ચોરી કરી હતી.

આ મૂર્તિઓમાં એક અષ્ટધાતુની બનેલી મૂર્તિ હતી જેનું વજન પાંચ કિલોગ્રામ જેટલું હતું અને તેના ઉપર ભગવાનને ચાંદીના ઘરેણા ફેરવવામાં આવ્‍યા હતા. પોલીસે જણાવ્‍યું હતું કે ચોરાયેલી ૧૬માંથી ૧૪ મૂર્તિઓ પરત આવી ગઈ છે. આ ચોરી કોણે કરી એ અંગે હજુ પણ કોઈ સગડ મળ્‍યા નથી.

(11:26 am IST)