Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિદેશી રસીને મંજૂરીની માહિતી માગતી અરજી હાઈકોર્ટે ફગાવી

દેશમાં વિદેશી વેક્સિનના ઉપયોગને મંજૂરી મળી : અરજદારની જાણકારીમાં વધારો થાય તે માટે અરજીની સુનાવણી કોર્ટ નહીં કરે, અરજદારને ૧૦ હજારનો દંડ

નવી દિલ્હી, તા. ૧૮ : દેશમાં કોરોના સંક્રમણે મચાવેલા હાહાકાર વચ્ચે વેક્સીનની માંગ પણ તેજ થઈ છે ત્યારે હવે સરકારે વિદેશી વેક્સીનને પણ ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપવા માંડી છે.

દરમિયાન વિદેશી વેક્સીન બનાવતી કંપનીઓએ ભારતમાં મંજૂરી માટે કરેલી અરજી અંગે જાણકારી માંગવા માટે થયેલી પિટિશન દિલ્હી હાઈકોર્ટ ફગાવી દીધી છે અને સાથે સાથે પિટિશન કરનારને ૧૦૦૦૦ રુપિયા દંડ પણ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ હતુ કે, માત્ર તમારી જાણકારીમાં વધારો થાય તે માટે આ અરજીની સુનાવણી કોર્ટ નહીં કરે.

કોર્ટે સાથે સાથે કોમેન્ટ કરી હતી કે, આજકાલ ફેશન ચાલી છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના મનમાં કોઈ વિચાર આવે તો તરત જ જાહેર હિતની પિટિશન કરી દે છે. પિટિશન કરવાના અધિકારનો આ રીતે દુરપયોગ કરી શકાય નહીં. દેશમાં રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ પણ છે. જેના હેઠળ આ જાણકારી મળી શકે તેમ છે.

પિટિશન મયંક વાધવા નામના વ્યક્તિએ કરી હતી. જેમાં કેન્દ્ર તથા સબંધિત વ્યક્તિઓને આ માહિતી આપવા માટે ડાયરેક્શન આપવાની માંગ કરાઈ હતી.

પિટિશનામં કહેવાયુ હતુ કે, કેન્દ્ર દ્વારા વિદેશી વેક્સીન કંપનીઓની જાણકારી આપવામાં આવે અને તેમણે કયા આધારે મંજૂરી માંગી છે તેની જાણકારી આપવામાં આવે.

(8:00 pm IST)