Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કેરળમાં કોરોના પર કંટ્રોલ કરનારા સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાને કેબિનેટથી બહાર કરાયા

શૈલજાએ કેરળમાં કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ઉમદા કામગીરી કરી હતી

તિરુવનંતપુરમ: કેરળમાં બીજી વખત સરકાર બનાવવા જઈ રહેલા પિનરાઈ વિજયને મંત્રીમંડળમાં રહેલા તમામ મંત્રીઓને બહાર કરી દીધા છે. જેમાં એક ખાસ નામની ચર્ચા થઈ રહી છે. કેરળમાં સ્વાસ્થ્ય મંત્રી રહેવા દરમિયાન કોરોના મહામારીની સ્થિતિને સારી રીતે હેન્ડલ કરીને લોકોની પ્રશંસા મેળવી ચૂકેલા સ્વાસ્થ્ય મંત્રી કેકે શેલજાને પણ કેબિનેટમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે.

ગત વર્ષે જ્યારે જીવલેણ કોરોના વાઈરસે ભારતમાં પગપેસારો શરૂ કર્યો, આ દરમિયાન શૈલજાએ કેરળમાં કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ઉમદા કામગીરી કરી હતી.

કેરળમાં કોરોના વાઈરસની પ્રથમ લહેર દરમિયાન સ્થિતિને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવાને લઈને શૈલજાને અહીંના રૉકસ્ટાર તરીકે જોવામાં આવતા હતા. અગાઉ નિપાહ વાઈરસના ફેલાવા દરમિયાન પણ શૈલજા પોતાની કામગીરીને લઈને ચર્ચામાં રહ્યાં હતા. ગત સપ્ટેમ્બરમાં યુકે સ્થિત પ્રોસ્પેક્ટ પત્રિકાએ શૈલજાને 2020ના ટોચના વિચારક તરીકે પસંદ પણ કર્યા હતા.

રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હોવાના કારણે “શૈલજા ટીચર”ના હુલામણા નામે ઓળખાતા 64 વર્ષીય પૂર્વ મંત્રીએ તાજેતરમાં કેરળની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી છે. તેઓ કન્નુર જિલ્લાની બેઠક પરથી 60,000 મતે વિજયી થયા છે

6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાનો મત આપીને શૈલજાએ મીડિયાને કહ્યું હતું કે, કેરળમાં કોરોનાથી મૃત્યુદર ઘણો ઓછો છે. કેરળમાં કોરોના સંક્રમણ ફેલાવાની ગતિ ઓછી થઈ ગઈ છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં આપણી સ્થિતિ સારી છે.

કોરોના સંક્રમણની શરૂઆતમાં જ અમે અનેક સમાજ ઉપયોગી યોજનાઓ લઈને આવ્યા. જેમ કે જરૂરિયાતમંદોને ભોજનની કિટ સપ્લાય કરવી, કોમ્યુનિટી રસોઈ વગેરે. આ સિવાય અમે કોરોના ના હોય તેવા દર્દીઓને પણ દવાઓ સપ્લાય કરી. લોકોએ મારુ કામ જોયું છે અને વોટ મને જ આપશે.

કેકે શેલજાએ કોરોના પહેલા નિપાહ વાઈરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે પણ શ્રેષ્ઠ કામ કર્યુ હતું. કેરળ નિપાહ વાઈરસનો બે વખત સામનો કરી ચૂક્યું છે. સૌ પ્રથમ તે 2018માં આવ્યો હતો. જે બાદ 2019માં. સ્વાસ્થ્ય મંત્રી શૈલજાએ રાજ્યમાં કોરોના વાઈરસને લઈને કરવામાં આવેલા તેમના કાર્યો માટે ખૂબ જ સરાહના કરવામાં આવી હતી

(6:56 pm IST)
  • વિખ્યાત કથાકાર પૂ. મોરોરિબાપુએ વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોની સહાય માટે 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. access_time 11:02 pm IST

  • અમદાવાદમાં સવારથી ધીમીધારે ચાલુ : વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છેઃ વ્‍હેલી સવારથી પવનની સાથોસાથ ધીમીધારે વરસાદ ચાલુ છે access_time 11:08 am IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST