Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાથી બીગબીની ઓફિસને ભારે નુકસાનઃ અંદર ઘૂસ્યું પાણી

તેમની ઓફિસમાં લીકેજ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છેઃ રાહત કામમાં જોડાયા અમિતાભ બચ્ચનના સ્ટાફના લોકો

મુંબઇ, તા.૧૮: સોમવારે તૌકતે નામનું વાવાઝોડું મુંબઈ ટકરાયું હતું. જેના કારણે દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ભારે વરસાદ પણ વરસ્યો હતો. તૌકતે વાવાઝોડામાં સુરક્ષિત રહેવા માટે બોલિવુડ સેલેબ્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી, જેમાંથી એક મહાનાયક અમિતાભ બચ્ચન પણ હતા.

અમિતાભ બચ્ચન મુંબઈના તેવા લોકોમાંથી એક છે, જેમની સંપત્ત્િ।ને સોમવારે આવેલા તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન પહોંચ્યું છે. આ વાતની જાણકારી તેમણે બ્લોગ દ્વારા આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સોમવારે રાતે તેમની ઓફિસ 'જનક'માં પાણી ભરાઈ ગયા હતા. તેમના સ્ટાફના સભ્યો માટે ઓફિસમાં બનાવેલા શેલ્ટર વિસ્તારના છાપરા પણ ભારે પવનમાં ઉડી ગયા હતા. અમિતાભે તેમ પણ જણાવ્યું કે, આ દરમિયાન તેમણે પોતાની તિજોરીમાંથી કપડા કાઢીને સ્ટાફના સભ્યોને આપ્યા હતા. જેઓ નુકસાનના સમારકામમાં મદદ કરવા દરમિયાન પલળી ગયા હતા.

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે કે, 'વાવાઝોડાની વચ્ચે એક ભયંકર સન્નાટો છે. આખો દિવસ ભારે હવા અને મૂશળધાર વરસાદ...વૃક્ષો ધરાશાયી થયા, દરેક જગ્યાએ લીકેજ, 'જનક' ઓફિસમાં પૂર. ભારે વરસાદના કારણે લગાવવામાં આવેલી પ્લાસ્ટિક કવરની શીટ પર ફાટી ગઈ. શેડ્સ તૂટી ગયા અને કેટલાક કર્મચારીઓ માટે ઓફિસમાં બનેલો શેલ્ટર એરિયા પણ ઉડી ગયો. પરંતુ, તમામમાં અજેય લડાઈની ભાવના છે. બધા એકબીજાની મદદ કરી રહ્યા છે. આ પરિસ્થિતમાં સમારકામ કરવાનું કામ યથાવત્ છે'. બિગ બીએ આગળ લખ્યું છે કે, 'આવી પરિસ્થિતિઓમાં પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમના કપડા પૂરી રીતે ભીના થઈ ગયા હોવા છતાં પણ કામ યથાવત્ રાખ્યું. આ સંઘર્ષમાં મેં તેમને મારા કપડા આપ્યા હતા. કારણ કે નુકસાનનું સમારકામ કરતા તેઓ સંપૂર્ણ રીતે પલળી ગયા હતા. મારા પ્રશંસકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું'. આ સિવાય અમિતાભ બચ્ચને ટ્વિટર પર પણ એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, 'વાવાઝોડા તૌકતેએ ભારે હવા અને વરસાદના કારણે ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. બધા સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરું છું'.

(3:56 pm IST)