Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા એક દર્દીએ સરેરાશ દોઢ લાખ ચુકવ્યા

બીજી લહેરમાં ૫૦ હજાર કરોડ ખર્ચવા પડયા : ૩૦ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવુ પડયું: ચોંકાવનારો સર્વે

નવી દિલ્હીઃ તા.૧૮, કેન્દ્ર સરકાર તરફથી સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર, એપ્રિલ ૨૦૨૧માં દેશના જથ્થાબંધ મોંધવારી દર ૧૦.૪૯ ટકાના ચિંતા જનક સ્તરે પહોંચી ગયો પણ આ મોંઘવારીથી પણ વધુ ચિંતાજનક સ્થિતિ આરોગ્યક્ષેત્રમાં મોંઘવારીની છે જેના કોઇપણ આંકડા સરકાર તરફથી બહાર નથી પડાતા પણ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) તરફથી સોમવારે જ બહાર પડાયેલ એક રીપોર્ટમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સામાન્ય જનતા પર પડનારા આરોગ્યની બોજની તસ્વીર અમુક હદ સુધી સ્પષ્ટ કરવાની કોશીષ કરવામાં આવી છે.

આ રીપોર્ટ અનુસાર બીજી લહેરમાં કોરોના સંક્રમીત લગભગ ૩૦ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવવા પડયા છે. ૫૦ હજાર કરોડ રૂપિયા ફકત સારવાર વગેરે માટે ખર્ચ કરવા પડયા છે. અનુમાન છેકે સરેરાશ દરેક પરિવારે ખાનગી હોસ્પિટલો દાખલ થવાની સ્થિતિમાં દોઢ લાખ રુપિયાની રકમ ખર્ચ કરી છે. રિપોર્ટ અનુસાર એપ્રિલ ૨૦૨૧માં રીટેલ મોંઘવારી દર ફકત ૪.૪૨ ટકા વધ્યો છે. જે માર્ચ ૨૦૨૧માં ૫.૨૧ ટકાથી ઓછો છે. પણ આની અસર કોરોનાએ પુરી કરી નાખી કેમ કે આ મહિનામાં કોરોનાના કારણે લોકો પર દવાઓ એકસ-રે ઇસીજી વગેરેનો બોજ માર્ચની સરખામણીમાં એપ્રિલમાં વધારે પડયો છે. એક સરેરાશ પરિવારે આરોગ્ય સેકટર પર જેટલો ખર્ચ કરવો પડે છે. તેમાં ૧૧ ટકા વધારો થશે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે આરોગ્ય પર થનારા ખર્ચાઓ આગામી મહિનાઓમાં પણ વધશે. ફકત દવાઓ અને મેડીકલ ઉત્પાદનો મોંઘા થવાથી ભારતીય પરિવારો સમગ્ર રીતે ૧૫ હજાર કરોડ વધારે ખર્ચ કરશે. સરેરાશ ૩૦ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા અને તેના પણ ૩૦ ટકા લોકોને ખાનગી હોસ્પિટલમાંં સારવાર લીધી હતી. તેમના દ્વારા લગભગ ૩૫ હજાર કરોડ વધારે ખર્ચ થયાનો અંદાજ લગાવાયો છે. એસબીઆઇના આ રીપોર્ટનું અનુમાન છે કે કોરોનાની બીજી લહેરે સમગ્ર રીતે સામાન્ય ભારતીય પરીવારો પર ૬૬ હજાર કરોડનો બોજ નાખ્યો છે.

(3:13 pm IST)