Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સપ્તાહમાં ૫૫ કલાક કે તેનાથી વધુ કામ કરવાથી સ્ટ્રોક આવવાનો ખતરો ૩૫ ટકા વધી જાય છે

લાંબા કામકાજના કલાકો જીવલેણ સાબિત થઇ રહ્યા છે ! WHOના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

જિનેવા તા. ૧૮ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં લાંબા સમય સુધી કામ કરવાની આદતને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારી ને કારણે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે. વધુ મોડે સુધી કામ કરનારાઓ પર એક સ્ટડી કરવામાં આવી છે. તે મુજબ વર્ષ ૨૦૧૬માં વધુ મોડે સુધી કામ કરનારા ૭,૪૫,૦૦૦ લોકોના જીવ હાર્ટની બીમારીના કારણે ગયા છે. આ આંકડો વર્ષ ૨૦૦૦ની તુલનામાં લગભગ ૩૦ ટકા વધુ હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની નિર્દેશક મારિયા નીરાએ જણાવ્યું કે, દર સપ્તાહે ૫૫ કલાક કે તેનાથી વધુ કામ કરવું એ એક ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે. અમે આ જાણકારી શ્રમિકોને વધુ સુરક્ષા આપવા માટે કરી રહ્યા છીએ. WHO અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન (ILO)ના અધ્યયનથી જાણવા મળ્યું છે કે મોટાભાગના પીડિત (૭૨ ટકા) પુરુષ હતા અને મધ્યમ ઉંમર વર્ગ કે વધુ ઉંમરના હતા. અધ્યયન મુજબ અનેકવાર આવા લોકોનાં મોત ૧૦ વર્ષ બાદ પણ થાય છે.

આ અધ્યયન ૧૯૪ દેશોના આંકડાઓ પર આધારિત છે. આંકડાઓ મુજબ સપ્તાહમાં ૫૫ કલાક કે તેનાથી વધુ કામ કરવાથી સ્ટ્રોક આવવાનો ખતરો ૩૫ ટકા વધી જાય છે અને ૩૫-૪૦ કલાકની તુલનામાં હૃદય રોગથી મરવાનો ખતરો ૧૭ ટકા વધી જાય છે. એન્વાયરન્મેન્ટ ઇન્ટરનેશનલ જર્નલમાં 'લાંબા સમય સુધી કામ કરવાથી જીવન પર અસર'ને લઈને વિશ્વનું પહેલું અધ્યયન પ્રકાશિત થયું છે.

આ અભ્યાસ ૨૦૦૦-૨૦૧૬ દરમિયાન કરવામાં આવ્યો છે. જેથી તેમાં કોરોનાથી પ્રભાવિત લોકોના આંકડા નથી. પરંતુ WHOના અધિકારીઓએ કહ્યું કે, કોરોના વાયરસ ઇમરજન્સીના પરિણામમાં રિમોટ વર્કિંગમાં વધારો અને વૈશ્વિક આર્થિક સુસ્તી સ્વાસ્થ્ય ખતરાને વધારી શકે છે.

(10:31 am IST)