Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

વાવાઝોડુ 'અંફાન' અતિ તિવ્ર બન્યુઃ સુપર સાયકલોન થવાની પૂરી સંભાવના

૨૦૦થી ૨૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા જોરદાર પવન : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ ગતિ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૮ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીવાળુ વાવાઝોડુ આજે સવારે હવામાન ખાતાના બુલેટીન નં. ૧૭ મુજબ અતિ તીવ્ર બન્યુ છે. આ વાવાઝોડાનું નામ 'અંફાન' રાખેલ છે. જેનું લોકેશન મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી લાગુ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો ઉપર છે. હાલમાં પશ્ચિમ બંગાળ અને નોર્થ ઓરીસ્સાના કિનારા માટે સાયકલોનની વોર્નીંગ આપવામાં આવેલ છે જેને હવામાન ખાતુ ઓરેન્જ મેસેજ કહે છે. હાલમાં ૧૩.૫ ડિગ્રી નોર્થ, ૮૬.૪ ઈસ્ટ પવન, ૨૦૦ થી ૨૧૦ કિ.મી. અને ઝાટકાના પવન ૨૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આ વાવાઝોડુ આજે મજબૂત બની સુપર સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે. આ વાવાઝોડાનો ટ્રેક હાલમાં ઉત્તર બાદ આવતીકાલથી ઉત્તર ઉત્તર પૂર્વ તરફ જશે. ઓરીસ્સાના કિનારા નજીકથી પસાર થઈ અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આવતીકાલથી જશે. હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(1:10 pm IST)