Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

" શુભ શુભ સોચો " : કોરોના મહામારીમાંથી ભારત જલ્દી બહાર આવી જશે : આર્થિક વિકાસની ગાડી ફરીથી પુરપાટ ઝડપે દોડવા લાગશે : દર 5 માંથી 3 ભારતીય આશાવાદી આશાવાદી હોવાનો સર્વે

ન્યુદિલ્હી : કોરોના વાયરસે વિશ્વના લાખો લોકોનો ભોગ લીધો છે.એટલુંજ નહીં દરેક દેશના અર્થતંત્રની કેડ ભાંગી નાખી છે.તેવા સંજોગોમાં ભારત દેશના નાગરિકો પ્રાચીન પરંપરા મુજબ શુભ શુભ સોચો વિચારધારા ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.જે મુજબ દર પાંચમાંથી ત્રણ ભારતીય એવું મને છે કે આગામી બે થી ત્રણ માસમાં જ ભારત દેશ કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવી જશે.એટલુંજ નહીં દેશની આર્થિક વિકાસની ગાડી ફરીથી પુરપાટ ઝડપે દોડવા લાગશે.
રોજિંદા જીવન અંગે પણ આપણે વધુ આશાવાદી છીએ. મેકેન્ઝીના સરવેમાં માત્ર 7% લોકોએ કહ્યું કે જીવન સામાન્ય થતાં એક વર્ષ લાગી જશે. અન્ય 93%નું માનવું છે કે એક વર્ષની અંદર જ રૂટિન પહેલાં જેવું જ થઇ જશે. તેમાં 8% લોકોનું કહેવું છે કે 1 મહિનાની અંદર જ રુટિન પહેલાં જેવું થઇ જશે. 32%નું માનવું હતું કે મહામારી ઓગસ્ટ-ઓક્ટોબર સુધી રહી શકે છે.
વર્લ્ડ ઇકોનોમી ફોરમના જણાવ્યા મુજબ ભારતમાં લોકો ખર્ચ વધારવાની યોજના કરી રહ્યા છે. આ જ પ્રકારનો ટ્રેન્ડ ચીન, ઇન્ડોનેશિયા અને નાઇજિરિયામાં પણ જોવા મળ્યો છે. અમેરિકા, રશિયા, જર્મની જેવા ઘણા દેશોમાં લોકો ખર્ચ ઓછો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેપઝેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સરવે મુજબ 57% ભારતીયોએ કહ્યું કે તેઓ આ વર્ષે કાર ખરીદવા વિચારે છે.
લંડન સ્થિત ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને ડેટા કંપની યુગોવના સરવેમાં કોવિડ ટૂંકમાં ખતમ થવા અંગે ભારતીય લોકો વધુ આશાવાદી છે. ભારતમાં આશરે 48 ટકા લોકોએ કહ્યું કે જુલાઇના અંત સુધી મહામારી ખતમ થઇ જશે. જ્યારે વિશ્વમાં 40 ટકા લોકોને મહામારી ટૂંકમાં ખતમ થવાની આશા છે. મોટા ભાગના લોકોએ માન્યું કે આ સંકટમાં કંઇક ને કંઇક સારું થયું છે.

(11:49 am IST)