Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કાલથી છુટછાટનો આનંદઃ ચા-પાન-ફરસાણ-સલુન સહિતની દુકાનો ખુલશેઃ બજારો માટે ઓડ-ઇવનની ફોર્મ્યુલા આવશે !

કેન્દ્ર સરકારે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવ્યા પછી ગુજરાત સરકાર ગમે ત્યારે નવા રંગ નવા રૂપ સાથે ગાઇડ લાઇન્સ બહાર પાડશેઃ રાજયભરમાં ભારે ઉત્સુકતાઃ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સમાં થઇ સમીક્ષાઃ જે બાદ છૂટછાટોની યાદી જાહેર થશે : રિક્ષા અને બસો પણ દોડવા લાગશેઃરેસ્ટોરન્ટની હોમ ડીલીવરી, ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશેઃ શાળા-કોલેજો, મોલ, જીમ, ધાર્મિક મેળાવડા, મંદિરો, જાહેર સમારંભ હજુ બંધ જ રહેશેઃ માસ્ક પહેરવાનું ફરજીયાતઃ જાહેરમાં થુંકવા ઉપર ર૦૦ રૂ..નો દંડ થશેઃ સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશેઃ સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશેઃકન્ટેનમેન્ટ ઝોનની બહાર મહત્વની છુટછાટો મળશે

રાજકોટ, તા., ૧૮: કેન્દ્ર સરકારે ગઇકાલે લોકડાઉન-૪ની જાહેરાત કર્યા બાદ  આજે ગમે ત્યારે રાજય સરકાર નવા રૂપ રંગ સાથેની ગાઇડ લાઇન્સ બહાર પાડી રહી છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આર્થીક પ્રવૃતિઓ પુનઃ ધમધમતી થાય તે પ્રકારે રાજય સરકાર છુટછાટ આપવા જઇ રહી છે. જે અંતર્ગત ચા, પાન, ફરસાણ, સલુન સહીતની દુકાનો આવતીકાલથી ખુલશે. એટલું જ નહી બજારો ખુલશે પરંતુ ભીડભાડ ન થાય એટલા માટે ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તેવી શકયતા છે. આવતીકાલથી બસ અને રીક્ષા પણ દોડવા લાગશે. રીક્ષામાં કેટલા લોકો બેસાડવા તેની વિગતો જાહેર થશે એટલું જ નહિ સ્કુટર ચાલકોને પણ છુટછાટ મળશે. રેસ્ટોરન્ટ પણ હોમ ડીલીવરીની શરતે શરૂ થશે. રાજય સરકાર કયા પ્રકારની ગાઇડ લાઇન્સ જારી કરે છે તે બાબતને લઇને જબરી ઉત્સુકતા જોવા મળી રહી છે. આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે દુકાનો, બજારો ખોલવાની મંજુરી મળશે પરંતુ કોરોનાને આવતો અટકાવવા વિવિધ નિયમોનું પાલન કરવાનું રહેશે. અત્રે એ નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતને હવે લાંબા સમય સુધી લોકડાઉન પોષાય તેમ નથી. આર્થિક પ્રવૃતી શરૂ થવી જોઇએ. લોકોની પણ લાગણી છે કે હવે કામ-ધંધા શરૂ કરવા છુટ મળવી જોઇએ.

ગઈકાલે કેન્દ્ર સરકારે લોકડાઉન ૪.૦ તા. ૩૧મી મે સુધી લંબાવી દીધુ છે, પરંતુ છૂટછાટો આપવાનો અધિકાર જે તે રાજ્ય સરકારો ઉપર નિર્ધારીત કર્યો હોવાને પગલે જે તે રાજ્ય સરકારો પણ છૂટછાટો આપવા અંગેની માર્ગદર્શિકાઓ ઘડી રહી છે.

ગુજરાતમાં પણ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાત અનુસાર આજે સવારે મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સીંગ કરવામાં આવી હતી. ે જેમા જે તે જિલ્લાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી કોરોનાની વાસ્તવિક સ્થિતિની વિગતો મેળવવામાં આવી હતી. આ પછી સાંજ સુધીમાં છૂટછાટો અંગેની યાદી બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. જો કે ગુજરાતે કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તપણે પાલન કરવાનું નક્કી કર્યુ હોવાથી સાંજે ૭ થી સવારના ૭ સુધી ગુજરાતમાં કર્ફયુ ચાલુ રહેશે. જે પણ છૂટછાટ અપાશે તે ૭ પહેલા અમલી બનશે. જો બજારો, દુકાનો વગેરે ખોલવાની મંજુરી અપાશે તો તે સાંજ સુધીની જ રહેશે.

મળતા સમાચાર મુજબ કોરોના સંકટને પહોંચી વળવા કેન્દ્રની મોદી સરકારે લોકડાઉન ૪.૦ બે સપ્તાહ લંબાવ્યુ છે. તેમણે છૂટછાટોમાં રમતગમત સંકુલ, સલુન શોપ અને બસોની પણ વાત જણાવી છે. કેન્દ્રએ શાળા, કોલેજો, જીમ, ધાર્મિક સ્થળો, સિમેના, મોલ્સ વગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આ બધુ બંધ રહેશે. મંદિરો પણ ૩૧મી સુધી બંધ રહેવાના છે.

જો કે કેન્દ્રએ આપેલી સત્તા અનુસાર ગુજરાત સરકારે આર્થિક પ્રવૃતિ પુનઃ શરૂ કરવા તૈયારી શરૂ કરી દીધી છે. આજે સવારે ૧૧ વાગ્યાથી મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો સાથે વિડીયો થકી બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે અને આ બેઠકને આધારે સાંજ સુધીમાં છૂટછાટોની યાદી જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેપાર-ધંધા પુનઃ શરૂ થાય તે માટે સરકારે મન બનાવ્યુ હોવાથી મોટાભાગની દુકાનો આવતીકાલથી ખુલી જશે એટલુ જ નહિ જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચા-પાનના ગલ્લાઓને પણ આવતીકાલથી ખોલવાની મંજુરી સરકાર આપી દે તેવી શકયતા છે. જો કે આ બધી છુટ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં અમલી નહિ બને. આવતીકાલથી હોટલો ફુડની હોમ ડીલીવરી પણ કરી શકશે. મિઠાઈ અને ફરસાણની દુકાનો પણ આવતીકાલથી ખુલી જાય તેવી શકયતા છે. બસો પણ નિયમોને આધીન શરૂ થાય તેવી શકયતા છે.

ગુજરાતમાં આવતીકાલથી જ જાહેરમાં થુંકવા પર ૨૦૦ રૂ..નો દંડ અમલી બનશે. સરકાર દ્વારા સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત કરી દેવામાં આવશે. જો કે લોકોએ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવુ પડશે. ભીડભાડ ન થાય તે રીતે દુકાનો અને ઓફિસો ખોલવાની રહેશે. સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફયુનુ પાલન કરવુ પડશે. એવુ જાણવા મળે છે કે દુકાનો ખોલવાની મંજુરી અમુક કલાકો પુરતી જ રહેશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આર્થિક પ્રવૃતિ શરૂ થાય અને લોકોને રોજીરોટી પુનઃ મળવી શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. તેને પગલે હવે ગુજરાત પણ છુટછાટો આપવા તરફ જઈ રહ્યુ છે. સાંજે કઈ જાહેરાત થાય છે તેના પર સૌની મીટ છે.

(3:47 pm IST)
  • બીજીંગમાં માસ્ક પહેરવું જરૂરી નહી : ચીન સરકારે રાજધાની બીજીંગમાં માસ્ક પહેરવાની અનિવાર્યતા પુરી કરી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. સંભવતઃ ચીન વિશ્વનો પહેલો દેશ છે જેણે નાગરીકોને માસ્ક ન પહેરવા જણાવ્યું છે. access_time 3:52 pm IST

  • ૩૦-૩૧ પછી મુંબઈમાં વરસાદઃ ૩૦-૩૧ મે પછી મુંબઈમાં પ્રિ-મોન્સુન વરસાદનો પ્રારંભ થશે તેમ જાણીતા વેધર વોચર શ્રી કેન્નીએ જણાવ્યુ છે access_time 11:45 am IST

  • ગુજરાત સહિતના રાજયોમાંથી કર્ણાટકમાં પ્રવેશબંધી : કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કહ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરાળા અને તામિલનાડુમાંથી ૩૧ મે સુધી અમે કોઈપણ વ્યકિતને પ્રવેશ કરવા દઈશુ નહિં : તેમણે કર્ણાટક સરકારના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી : કર્ણાટકમાં નવા ૮૪ કેસ સાથે કોરોના વાયરસનો આંકડો ૧૨૩૧એ પહોંચ્યો છે : રાજયમાં કુલ ૩૭ મોત થયા છે અને ૫૨૧ કોરોના દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે (ન્યુઝ ફર્સ્ટ) access_time 2:03 pm IST