Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોદી-શાહને કલીનચીટના મામલાએ ચૂંટણી પંચનું ઘર સળગાવ્યું

ચૂંટણી પંચની અંદર બખડજંતરઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને કમિશ્નર આમનેસામનેઃ ચૂંટણી કમિશ્નર લવાસાએ બેઠકોમાં જવાનુ બંધ કરી દીધું : ચૂંટણી પંચના મતભેદો ફુંફાડા મારીને બહાર આવ્યાં: કમિશ્નર લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખી મતભેદોને સત્તાવાર રેકોર્ડમાં સામેલ કરવા જણાવ્યું

નવી દિલ્હી, તા. ૧૮ :. લોકસભાની ચૂંટણી પુરી થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચમાં પણ મતભેદો ખુલ્લેઆમ સામે આવ્યા છે. પંચના આચારસંહિતા તોડવા સંબંધી અનેક ફેંસલા પર અસહમતી વ્યકત કરનાર ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાને પત્ર લખી માંગણી કરી છે કે પંચના ફેંસલામાં કમિશ્નરો વચ્ચેના મતભેદોને પણ સત્તાવાર રેકોર્ડ ઉપર સામેલ કરવામાં આવે.

અશોક લવાસા દેશના હવે પછીના મુખ્ય ચૂંટણી કમિશ્નર બનવાની કતારમાં છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે લવાસા આચારસંહિતા ઉલ્લંઘનની ફરીયાદો પર પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને સીધેસીધી કલીનચીટ અને વિપક્ષી નેતાઓને નોટીસ ફટકારવાની વિરૂદ્ધમાં રહ્યા છે.

ચૂંટણી પંચમાં ફેંસલાને લઈને થઈ રહેલા વિવાદ અને લવાસા તરફથી લખવામાં આવેલા પત્રને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ કહ્યુ છે કે પંચમાં ૩ સભ્યો હોય છે અને ત્રણેય એકબીજાના ક્રોન નથી હોતા. હું કોઈપણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. દરેક ચીજનો એક સમય હોય છે. ત્રણેય કમિશ્નરો અલગ અલગ મત આપી શકે છે. ચૂંટણી દરમિયાન સામે આવેલા મુદ્દાઓ ઉપર સમિતિ બનાવવામાં આવશે.

અરોરાએ કહ્યુ છે કે ત્રણેય સભ્યો એકબીજાની નકલ કરે તેવી આશા રાખી ન શકાય. પહેલા પણ અનેક વખત ચૂંટણી પંચના સભ્યોના વિચારોમાં ઘણી વિવિધતા જોવા મળેલી છે. તેમણે કહ્યુ હતુ કે આવુ હોવુ પણ જોઈએ. કોઈ સભ્યનો અલગ મતનો મામલો તેઓ નિવૃત થાય ત્યાં સુધી પંચની અંદર જ રહે છે.

ચૂંટણી કમિશ્નર અશોક લવાસા મોદી અને શાહને કલીનચીટને લઈને નારાજ છે. તેમણે અસહમતી વ્યકત કરી છે અને ચૂંટણી પંચની બેઠકોમાં જવાનુ છોડી દીધુ છે. તેમણે કહ્યુ છે કે મારી અસહમતીવાળી નોટને રેકોર્ડ પર લેવામા ન આવે ત્યાં સુધી હું બેઠકમાં ભાગ નહિ લઉં.

(3:36 pm IST)