Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

હાર્ટ પેશન્ટ વધતા ફાર્મા ઉદ્યોગને જબ્બર ફાયદો : દવાઓનું વેંચાણ વધી રહ્યું છે

૧૪૯૨ કરોડનું માર્કેટ

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતા તેની દવાઓના વેચાણમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં હાર્ટની દવાઓના વેચાણમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી માર્ચના ગાળામાં ગ્રોથ લગભગ ૧૪.૮ ટકા જેટલો હતો. ૨૦૧૯-૨૦માં પણ આ વધારો ચાલુ જ રહ્યો છે. એપ્રિલમાં કાર્ડિયોવાસ્કયુલર દવાઓનું વેચાણ ૧૩.૨ ટકા વધ્યું હતું. AIOCD AWACSના ડેટા અનુસાર આ માર્કેટ રૂ. ૧૪૯૨ કરોડનું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓવરઓલ વેચાણ રૂ. ૧૬૫૨૩ કરોડનું હતું.નિષ્ણાંતોના મતે હાર્ટની દવાના વેચાણમાં વધારો એ સૂચવે છે કે હાર્ટના દર્દીઓની સંખ્યા પણ વધી છે. AIOCD AWACSના ડિરેકટર અમીષ મસુરેકરે જણાવ્યું, 'શહેરીકરણને કારણે લોકોની લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે. જંકફૂડનું સેવન વધ્યું છે અને એકસરસાઈઝનું પ્રમાણ ઘટ્યું છે. આને કારણે હૃદય રોગના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત હવે હૃદય રોગનું નિદાન પણ પહેલા કરતા વધારે સારૂ થાય છે જેના કારણે વધુ કેસ નોંધાયા છે.'

ઈન્ડસ્ટ્રીના એક સૂત્રએ જણાવ્યું, 'મહત્તમ બીમારી ક્રોનિક સેગમેન્ટ, અર્થાત્ લાઈફસ્ટાઈલને કારણે થતી સમસ્યાના ક્ષેત્રમાં જોવા મળે છે. આ ઉપરાંક કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગની દવાની ડિમાન્ડ માત્ર ઈન્ડિયામાં જ નહિ, આખી દુનિયામાં વધી રહી છે.'

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન (FGSCDA)ના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું, 'ગુજરાતમાં કુલ દવાના વેચાણમાંથી ૩૦ ટકા હૃદયરોગની દવા છે. માર્કેટમાં કાર્ડિયાક ડ્રગના મોલેકયુલ્સની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્ર સરકારની પોલિસી અને જનરિક દવાના પ્રચારને કારણે હૃદયરોગની દવા હવે દર્દીઓને પરવડે છે અને આથી જ મોટી સંખ્યામાં દર્દીઓ તેનો ઉપયોગ કરે છે.

(3:32 pm IST)