Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડાપ્રધાન કેદારનાથ ધામમાં : કાલે બદ્રીનાથ ધામમાં દર્શન કરવા જશે

દેહરાદૂન તા. ૧૮ : લોકસભા ચૂંટણી-૨૦૧૯ના પ્રચારપડઘમ ગઈ કાલે શાંત પડી ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા પર આવ્યા છે. ભગવાન શંકરની શરણમાં આવેલા મોદી આજે સવારે ૯.૧૫ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા હતા. એમના હેલિકોપ્ટરે ખાસ બાંધવામાં આવેલા હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું.

મોદી બે દિવસ માટે આ બે પ્રસિદ્ઘ યાત્રાધામની મુલાકાતે આવ્યા છે. આજે કેદારનાથમાં દર્શન, પૂજા કરશે અને રાતવાસો પણ કેદારનાથમાં જ કરશે. આવતીકાલે એ બદ્રીનાથ ધામ જશે. રવિવારે બપોરે જ એ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી પાછા ફરશે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ કેદારનાથ ખાતે આ તેમની ચોથી મુલાકાત છે. સૌથી પહેલાં, ૨૦૧૭ના મે મહિનામાં એ કેદારનાથ આવ્યા હતા. ત્યારબાદ એ જ વર્ષના ઓકટોબરમાં પણ આવ્યા હતા. ત્રીજી વાર એ ગયા વર્ષના નવેંબરમાં કેદારનાથ બાબાનાં દર્શન કરવા આવ્યા હતા. એ વખતે મંદિરનાં દ્વાર બંધ કરાય એ પૂર્વે તેઓ દર્શન કરવા આવ્યા હતા.

હાલ કેદારનાથમાં હવામાન સખત ઠંડું છે. થોડી થોડી વાર રહીને હિમવર્ષા થઈ રહી છે. મંદિરની ચારેબાજુ પહાડો પર બરફ છવાયેલો છે. ગઈ ૯ મેએ કેદારનાથ મંદિરનાં દ્વાર ભકતો-દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

(11:42 am IST)