Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ITની અપીલમાં આડેધડ પેનલ્ટીના ઓર્ડરો : રિફંડમાં વિલંબથી પરેશાની

અપીલ તબક્કે જમા કરાવેલી રકમના રિફંડ મેળવવામાં પણ વિલંબઃ આવકવેરા વિભાગ તરફથી જુદા-જુદા ખુલાસાઓ માંગી વિલંબ કરાતો હોવાની બૂમો

અમદાવાદ તા. ૧૮ : આવકવેરા વિભાગ દ્વારા એસેસમેન્ટ અને અપીલના કેસોમાં આડેધડ પેનલ્ટીના ઓર્ડરો કરતાં કરદાતાઓ પરેશાન થઈ ગયા છે. ઈન્કમટેકસ વિભાગ દ્વારા આકારણી કરાયા પછી ટેકસ ભરવા નોટિસો આપ્યા બાદ આઈ.ટી. ઓફિસરોએ કાઢેલી ટેકસ ડિમાન્ડની મોટી રકમ સામે વાંધો- વિરોધ હોય તેવા કિસ્સામાં કરદાતાઓ અપીલમાં જાય છે.

અપીલ તબક્કે ભરપાઈ કરેલી રકમનું રિફંડ મેળવવામાં પણ વિલંબ થાય છે. આ પ્રકારે અપીલના કેસોનો નિકાલ થયો હોય અથવા ત્રણ વર્ષ થયા હોય તેવા કેસમાં જ ટેકસ, પેનલ્ટી સહિતની રકમની  ડિમાન્ડ કરતા ઓર્ડર કરાય છે. પરંતુ કરદાતાઓની વાંધા અરજી પેન્ડિંગ હોવા છતાં આઈ.ટી. વિભાગ દ્વારા પેનલ્ટીના ઓર્ડરો કાઢવામાં આવતાં કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓના વિવિધ પ્રશ્નો- ફરિયાદોના નિવારણ માટે પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પેનલ્ટીના ઓર્ડર કરાતાં કરદાતાઓને પરેશાન થઈ રહ્યા છે. આઈ. ટી. વિભાગ દ્વારા કરાયેલ એસેસમેન્ટ અને વાજબી રજુઆતોને ધ્યાનમાં લીધા વિના મોટી ડિમાન્ડ ઊભી કરાઈ હોય અને તે સામે કરદાતાને વાંધો હોય તો તે અપીલમાં જઈ શકે છે.

આ પ્રકારે અપીલમાં કેસ પેન્ડિંગ હોય ત્યારે ઈન્કમટેકસની કલમ- ૨૭૧ (૧) (સી) અને કલમ- ૨૭૧ (૧) (બી) હેઠળની જોગવાઈ મુજબ અપીલનો નિકાલ થયો હોય અથવા ૩ વર્ષની મુદત વીતી ગઈ હોય તેવા કિસ્સામાં પેનલ્ટી સહિતના ઓર્ડર કરી શકાય છે. પરંતુ આઈ. ટી. અધિકારીઓ દ્વારા ઓર્ડરો કરતાં કરદાતાઓએ ખુલાસા- કલેરિફિકેશન કરવા પડે છે, જુદી જુદી કવેરીના કિસ્સામાં આઈ.ટી. કચેરીમાં રૂબરૂ જવું પડે છે.

ઉપરાંત અપીલ તબક્કે સંભવિત ટેકસ ગણીને ૨૦ કે ૨૫ ટકા રકમ જમા કરાવ્યા પછી કરદાતાઓની તરફેણમાં ચુકાદો આવે અને કોઈ ટેકસ કે પેનલ્ટીની જવાબદારી ઉભી ન થતી હોય તેવા કિસ્સામાં ઝડપથી રેકટીફીકેશન થતું નથી અને કરદાતાઓને રીફંડ મળતા નથી. આઈ. ટી.અધિકારીઓ દ્વારા પેનલ્ટી ઓર્ડરો કાઢવાને કારણે કરદાતાઓએ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેકસ પ્રેકટીશનર્સને સાથે લઈને આવકવેરાની કચેરીએ જવું પડે છે.

ડિજીટલ ઈન્ડિયા અને ફેસ લેસ સિસ્ટમનો અમલ કરવાની વાતો કરાય છે. પરંતુ અધિકારીઓએ કાઢેલી ટેકનીકલ કવેરી માટે કલેરિફિકેશન કરવા હિસાબી ચોપડા અને વિગતો સાથે જવું પડતું હોવાથી કરદાતાઓનો કિંમતી સમય વેડફાય છે અને હાલાકીનો સામનો કરવો પડે છે.

(10:35 am IST)