Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કાલે ચૂંટણીનું સમાપનઃ સાંજથી એકઝીટ પોલ

આવતીકાલે ૮ રાજ્યોની ૫૯ બેઠકો ઉપર મતદાનઃ ૧૦ કરોડ મતદારો વડાપ્રધાન મોદી સહિત ૭ કેન્દ્રીય મંત્રીઓ, શત્રુઘ્ન સિન્હા, સની દેઓલ, કિરણ ખેર, મીરા કુમાર, સીબુ સોરેન સહિત ૯૧૮ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશેઃ સૌનુ ધ્યાન વારાણસી પરઃ મોદીની બેઠક ઉપર કેટલુ મતદાન થશે અને કેટલી સરસાઈથી જીતશે ? લોકોમાં ભારે ઉત્તેજનાઃ મતદાન પુરૂ થયા બાદ સાંજે ૬થી ટીવી ચેનલો પર એકઝીટ પોલ ધૂમ મચાવશે

નવી દિલ્હી, તા. ૧૮ :. લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણમાં ૮ રાજ્યોની ૫૯ બેઠકો પર આવતીકાલે મતદાન થશે. એ સાથે જ મતદાન પર્વની સમાપ્તી થશે. મતદાન પૂર્ણ થયા બાદ જેની દેશના લોકો રાહ જોઈ રહ્યા છે તે એકઝીટ પોલનંુ વિવિધ ટીવી ચેનલો પરથી પ્રસારણ કરવામાં આવશે.

આવતીકાલે યુપીની ૧૩, પંજાબની ૧૩, બિહારની ૮, મ.પ્રદેશની ૮, પ.બંગાળની ૯, હિમાચલની ૪, ઝારખંડની ૩ અને ચંદીગઢની ૧ બેઠક માટે મતદાન થશે. આવતીકાલે કુલ ૯૧૮ ઉમેદવારોનુ ભાવિ ૧૦ કરોડ ૧ લાખ ૭૫ હજાર મતદારો ઈવીએમમાં કેદ કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેબીનેટ મંત્રીઓ રવિશંકર પ્રસાદ, હરસીમરત કૌર, મનોજ સિંહા, અશ્વિની ચૌબે, આર.કે. સિંહ, હરદીપ પુરી, અનુપ્રીયા પટેલ, રામકૃપાલ યાદવ મેદાનમાં છે. આ ઉપરાંત શત્રુઘ્ન સિન્હા, અનુરાગ ઠાકુર, સીબુ સોરેન, નિશા ભારતી, કીરણ ખેર, સની દેઓલ, મિરા કુમાર વગેરેનુ ભાવિ પણ ઈવીએમમાં કેદ થશે.

આવતીકાલે ૫૯ બેઠકો પર મતદાન સાથે ૫૪૩ લોકસભાની બેઠકોમાંથી ૫૪૨ ઉપર મતદાન પ્રક્રિયા પુરી થશે. તામીલનાડુને વેલ્લોર બેઠક ઉપરથી મોટા પ્રમાણમાં રોકડ મળતા આ ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. સૌ કોઈનુ ધ્યાન વારાણસીની બેઠક પર કેન્દ્રીત થયુ છે ત્યાં વડાપ્રધાન મોદી કેટલી સરસાઈથી જીતે છે ? તે બાબતને લઈને લોકોમાં ઉત્તેજના છે.

આવતીકાલે સાંજે મતદાન પુરૂ થયા બાદ ૬ વાગ્યા પછી ટાઈમ્સ નાઉ, આજ તક, ચાણકય, ઈન્ડીયા ટીવી, એબીપી-સીએસડીએસ, સી વોટર, ઈન્ડીયા ટુડે એકસીસ વગેરેના એકઝીટ પોલ પ્રસારીત થશે. એકઝીટ પોલ પરથી સંકેતો મળશે કે ૨૩મીએ કોણ વિજેતા જાહેર થશે. એકઝીટ પોલને લઈને દેશભરમાં ભારે ઉત્તેજના છે.

(10:34 am IST)