Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગોડસે અંગે પ્રજ્ઞાઠાકુર ના નિવેદનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નારાજ

પ્રજ્ઞાઠાકુર સામે શિસ્ત કમિટિ યોગ્ય પગલા લેશે : શિસ્ત કમિટિ તમામ નેતાઓ પાસેથી જવાબ માંગી યોગ્ય કાર્યવાહી કરાશે : અમિત શાહની ખાતરી : પ્રજ્ઞાઠાકુર ની નિંદા

ભોપાલ, તા. ૧૭ : મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવનાર નિવેદન ઉપર ભોપાલ સંસદીય સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર જોરદારરીતે ફસાઈ ગયા છે. તેમના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડે પણ ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠોર શબ્દોમાં પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની ટીકા કરી છે. મોદીએ કઠોર અંદાજમાં કહ્યું છે કે, પ્રજ્ઞા અને બાકીના લોકો જે ગોડસે અને બાપુના સંદર્ભમાં નિવેદનબાજી કરી રહ્યા છે તે ખુબ જ અયોગ્ય છે. ભલે પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી લીધી છે પરંતુ તેઓ મનથી તેમને ક્યારે પણ માફ કરી શકશે નહીં. મોદીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી તેઓ ખુબ નારાજ થયા છે. ગાંધી અને ગોડસેના સંબંધ ખુબ જ ખરાબ છે. દરેક બાબત ઘૃણાને લાયક છે. ટીકા પાત્ર છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાત રજૂ કરી શકાય નહીં. આવા નિવેદન કરનારને આગળથી ૧૦૦ વખત વિચારણા કરવી પડશે. મોદીએ કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરને તેઓ માફ કરી શકશે નહીં. માલેગાંવ બ્લાસ્ટને લઇને ભોપાલ સીટ પરથી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી ઉપર વિપક્ષ તરફથી વ્યાપક ટિકા થઇ હોવા છતાં ભાજપના અનેક નેતાઓ પ્રજ્ઞાની સાથે દેખાયા હતા પરંતુ પ્રજ્ઞાના નિવેદનથી પાર્ટીને પીછેહઠ કરવાની ફરજ પડી છે. વિપક્ષ દ્વારા પણ સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, ભોપાલમાં ચૂંટણી યોજાઈ ગયા બાદ મોદી પ્રજ્ઞાનો વિરોધ કરી રહ્યા છે. નાથુરામ ગોડસે પર ભાજપના નેતાઓ પ્રજ્ઞા ઠાકુર, કેન્દ્રીયમંત્રી અનંત હેગડે અને અન્યો તરફથી નિવેદન કરાયા બાદ હવે સ્પષ્ટતા જારી કરી દીધી છે. પાર્ટીના નેતાઓના નિવેદનથી નારાજ અમિત શાહે કહ્યું છે કે, આ નેતાઓના નિવેદન તેમના અંગત નિવેદન છે. પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. અમિત શાહે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ત્રણેય નિવેદનોને શિસ્ત સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યા છે. શિસ્ત સમિતિ દ્વારા તમામ નેતાઓ પાસેથી જવાબની માંગ કરવામાં આવશે અને ૧૦ દિવસની અંદર રિપોર્ટ સોંપવામાં આવશે. રિપોર્ટ આવી ગયા બાદ તેમની સામે શિસ્તની કાર્યવાહી કરવામાં આવશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે પર સાધ્વી પ્રજ્ઞા અને અનંતકુમાર હેગડે બાદ ભાજપના સસાંસદ નલીન કટીલે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. અમિત શાહે પણ આ સંદર્ભમાં જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. હેગડેએ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગોડસે પ્રત્યે વલણ બદલવાની જરૂર છે. માફી માંગવાની જરૂર દેખાતી નથી. જો કે, હોબાળો થયા બાદ પ્રજ્ઞાએ પહેલાથી જ માફી માંગી લીધી છે.

(12:00 am IST)