Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ભાવનગરઃ ટ્રક પલ્ટી જતા ૧૯ મજુરોના મોત

સિમેન્ટ ભરેલ ટ્રકમાં બેસીને મજુરી કામ કરીને પરત ફરતા કોળી પરિવારના સભ્યો કાળનો કોળીયો

ભાવનગરઃ પ્રથમ તસ્વીરમાં મૃતક મજુરોના મૃતદેહો તથા સિમેન્ટની થેલીઓ નજરે પડે છે.(તસ્વીર- અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૧૯: ભાવનગર અમદાવાદ હાઇ-વે ઉપર આજે વહેલી સવારે મજુરો સાથેનો ટ્રક પલટી જતા ૧૯ મજુરોના મોત નીપજયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે બાવળીયાળી નજીક ટ્રક પલ્ટી ખાઇ જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મજુરી કામ માટે જઇ રહેલા ભાવનગર પંથકના ૧૯ થી વધુ મજુરો ના મોત નિપજયા છે અને ગંભીર રીતે ઘવાયેલા ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે.

મજુરી કરીને પરત ફરતા વખતે સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી જતા આ કરૂણ દુર્ઘટના સર્જાઇ હતી મૃતકો કોળી પરિવારના હતા મજુરી કામ માટે જતા હતા ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.

અકસ્માતનો ભોગ બનનાર ટ્રક રાજુલા પાસેના કોવાયાથી અલ્ટ્રા ટેક સીમેન્ટ ફેકટરીથી સીમેન્ટની બોરી ભરી દહેજ જતી હતી ત્યારે તળાજા પાસે આવેલ સરતાનપરના કોળી પરિવારના ૨૫ લોકો મજુરીકામ માટે ખેડા જવા આ ટ્રકમાં સીમેન્ટની બોરીઓ ઉપર બેસી ગયા હતા.

ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર ધોલેરા પાસે આવેલ બરવાળીયા ગામ પાસે રાત્રે રાા આસપાસ ગમે તે કારણોસર આ ટ્રક પલ્ટી ખાઇ જતા રોડ નીચે ઊંધો વળેલ.

 તમામ મજુરો ટ્રક ઉપર બેઠા હતા તેમની માથે સીમેન્ટની બોરીઓ આવી જતા દટાઇ ગયેલ-ઘટના સ્થળે ૧૮ના મોત થયેલ વધુ એકનું હોસ્પિટલે સારવારમાં મૃત્યુ થયું છે. કુલ ૧૯ના મોત થયા છે.

અન્ય છને ઇજા થઇ છે. તમામને ભાવનગર હોસ્પિટલે લઇ જવાયા હતા.

ટ્રકનો નંબર જીજે ૧૦ ટીવી ૬૨૧૫ જામનગર પાસીંગની છે.

બનાવની જાણ થતા ધોલેરા પોલીસ સ્ટાફ, ડેપ્યુટી કલેકટર, ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રાથમિક રીતે એવું મનાય છેકે ડ્રાઇવરને જોકું આવી જવાથી આ દુઘર્ટના સર્જાયેલ છે.

મૃતકોમાં ૧૨ મહિલા અને ૭ પુરૂષોનો સમાવેશ થાય છે. જયારે ૭ થી વધુ મજુરોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમા ખસેડેલ છે.

(9:00 am IST)