Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પ્રોટેમ સ્પીકર બોપૈયાથી કોંગ્રેસ ભયભીત કેમ ?:ગત કાર્યકાળના કેટલાક ફેંસલાથી હતા ચોંકાવનારા:હવે તક આપવા માંગતી નથી

બેંગ્લુરુ: ભાજપના બીએસ યેદિયુરપ્પાએ કાલે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. સુપ્રીમ કોર્ટે કાલે 4 વાગ્યે બહુમત સાબિત કરવા આદેશ આપ્યો છે ત્યારે રાજ્યપાલે વિધાનસભાની કાર્યવાહી માટે કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરી છે,જેને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવી સુપ્રીમ કોર્ટ પહોંચી છે આવામાં સ્વાભાવિક પણે એવો સવાલ ઉઠે છે કે કોંગ્રેસ બોપૈયાને લઈને આટલી ડરેલી કેમ છે? .

    બોપૈયા ગત વખતે ભાજપ સરકારમાં કર્ણાટક વિધાનસભાના સ્પીકર હતાં. હાલ તેઓ વિરાજપેટ સીટથી ભાજપના ધારાસભ્ય છે. કોંગ્રેસ બોપૈયાના ગત કાર્યકાળના વિવાદાસ્પદ ફેસલાને જોતા ફૂંગરાઈ ગઈ છે અને હવે કોઈ તક ભાજપને આપવા માંગતી નથી. કદાચ કારણે કોંગ્રેસે રાતોરાત સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. હવે જોવાનું રહેશે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેના પર શું ફેસલો કરે છે. શું તેઓ કોંગ્રેસની અરજીને સુનાવણી યોગ્ય ગણે છે કે નહીં? તેનો ફેસલો થોડીવારમાં થઈ જશે.

   કુમારસ્વામીએ બુધવારે દાવો કર્યો હતો કે ભાજપ રાજ્યમાં સત્તામાં આવવા માટે ઓપરેશન કમલને દોહરાવવાનો પ્રયત્ન કરી શકે છે. વર્ષ 2008માં ઓપરેશન કમલનો ઉપયોગ તે વખતે કરવામાં આવ્યો હતો જ્યારે યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ પાસે વિધાનસભામાં બહુમત નહતો અને તેમના નેતા કોંગ્રેસના ત્રણ અને જેડીએસના ચાર વિધાયકોને રાજીનામું આપવા માટે સમજાવવામાં સફળ રહ્યાં હતાં. કહેવાય છે કે તે વખતે ધન અને પદની લાલચ આપવામાં આવી હતી.

    આંકડા જો કે સ્પષ્ટ રીતે ભાજપની વિરુદ્ધમાં છે. કારણ કે તેમના હરિફ ગઠબંધન પાસે 116 ધારાસભ્યો (78 કોંગ્રેસ , 37 જેડીએસ અને એક બસપા)નું સમર્થન છે. એક અપક્ષ ધારાસભ્યે પણ તેમને સમર્થન આપવાનું વચન આપ્યું છે. દરમિયાન ગઠબંધનને નજર અંદાજ કગરીને યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને પહેલેથી આલોચનાનો શિકાર થઈ રહેલા રાજ્યપાલે નવા ચૂંટાઈ આવેલા વિધાયકોને શપથ અપાવવા અને શક્તિ પ્રદર્શન માટે કે જી બોપૈયાને અસ્થાયી રીતે અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં. કોંગ્રેસે તેની ટિકા કરી છે.

   કર્ણાટકમાં ખુબ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ આવતી કાલે વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે. સુપ્રીમ કોર્ટે આદેશ જારી કરીને બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા  અપાયેલા 15 દિવસના સમયમાં કાપ મૂક્યો છે. ભાજપ આજે રાતે 9 વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. બીજી બાજુ કોંગ્રેસના 77 ધારાસભ્યો હૈદરાબાદથી બેંગ્લુરુ માટે રવાના થઈ ગયા છે.

    દરમિયાન મિટિંગમાં ભાગ લેવા માટે જઈ રહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ દાવો કર્યો કે તેમને જરૂરી બહુમત કરતા વધુ મતો મળશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે? તો તેમણે જવાબ  આપ્યો કે નિ:સંદેહ તેઓ અમારા સંપર્કમાં છે. તેમના સમર્થન વગર અમે બહુમત કેવી રીતે સાબિત કરી શકીશું? યેદિયુરપ્પાએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટમાં 101% જીતીશું. પ્રકારનો દાવો કર્ણાટકમાં પર્યવેક્ષક બનાવીને મોકલવામાં આવેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ  કર્યો હતો.

(1:14 am IST)