Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કર્ણાટક ગુંચ : ભાજપના કેજી બોપૈયા પ્રોટેમ સ્પીકર બન્યા

રાજ્યપાલ વજુભાઈ દ્વારા બોપૈયાની નિમણૂંક : બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવતા કોંગ્રેસ દ્વારા જોરદાર વાંધો ઉઠાવ્યો : નિયમોની વિરુદ્ધમાં વરણી થઇ

બેંગ્લોર, તા. ૧૮ : કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે થનાર બહુમત પરીક્ષણ માટે ગવર્નરે પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના એમએલએ કેજી બોપૈયાની નિમણૂંક કરી છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય આરવી દેશપાંડે અને ભાજપના ઉમેશ પટ્ટીના નામને લઇને ચર્ચા રહી હતી. ગૃહના સૌથી સિનિયર ધારાસભ્યને આ હોદ્દા ઉપર રાખવામાં આવે છે. બોપૈયા ત્રણ વખત ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા છે. શક્તિપરીક્ષણનું કામ ત્યારબાદ પ્રોટેમ સ્પીકરના નેતૃત્વ અને તેમની દેખરેખ હેઠળ થશે. કોંગ્રેસ પાર્ટીએ બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે, જે કામ ભાજપે કર્યું છે તે નિયમોની વિરુદ્ધ છે. આદર્શ રીતે સૌથી સિનિયર સભ્યને આ હોદ્દા ઉપર રાખવામાં આવે છે. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કેજી બોપૈયાને ૨૦૦૮માં પણ એજ વખતે રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર બનાવ્યા હતા. બોપૈયાની વય તે વખતે આજથી પણ ૧૦ વર્ષ ઓછી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસની દલીલબાજી આધારવગરની છે. બોપૈયાની નિમણૂંક સંપૂર્ણપણે પારદર્શકરીતે અને નિયમ મુજબ થઇ છે. પ્રોટેમ સ્પીકરના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસના આઠ વખતના ધારાસભ્ય રહી ચુકેલા આરવી દેશપાંડેએ કહ્યું હતું કે, અમને બંધારણીય પ્રક્રિયાઓ અને મર્યાદાઓને પાળવી પડશે. તેઓ ગૃહના સૌથી સિનિયર સભ્ય તરીકે છે. પ્રોટેમ સ્પીકર અસ્થાયી વિધાનસભાના અધ્યક્ષ તરીકે હોય છે. તેમની નિમણૂંક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂંક સામાન્યરીતે એ વખત સુધી હોય છે જ્યારે વિધાનસભા પોતાના સ્થાયી અધ્યક્ષની ચૂંટણી કરી લેતા નથી. કર્ણાટકમાં ૨૨૨ સીટ પર પરિણામ આવી ચુક્યા છે. જેમાં ભાજપને ૧૦૪ અને કોંગ્રેસને ૭૮ સીટો મળી છે.

(7:20 pm IST)