Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પેટ્રોલ - ડીઝલના ભાવમાં એક સાથે ૬ થી ૮ રૂપિયાનો વધારો ઝીંકાવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૮ : પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવામાં આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયા પ્રતિ લીટર થાય તેવી શકયતા છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે.

બીજી બાજુ રૂપિયો નબળો થતો જઇ રહ્યો છે. તેવામાં ઓઇલ કંપનીઓ પાસે પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર કરવાની શકયતા ઓછી છે. ગત પાંચ દિવસોમાં પેટ્રોલ ૧ રૂપિયો અને ડીઝલ ૧.૧૫ રૂપિયા પ્રતિઙ્ગ લીટર મોંઘુ થયુ છે. આગામી કેટલાંક દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં ૬થી ૮ રૂપિયાનો વધારો ઝીંકાય તેવી શકયતા છે. જો આવુ થશે તો મુંબઇમાં પેટ્રોલ ૯૦ રૂપિયા પ્રતિ લીટર અને દિલ્હીમાં પેટ્રોલ ૮૦ રૂપિયા પ્રતિ લીટર થઇ જશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલને પાર છે. નિષ્ણાતોનું માનવુ છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી યથાવત રહેશે અને તે ૮૫ ડોલર પ્રતિ બેરલને પાર જાય તેવી સંભાવના છે.

(4:15 pm IST)