Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

માધ્યમો ઉપર નજર રાખવા ૭૧૬ જીલ્લામાં સરકાર સોશ્યલ મીડીયા એકસપર્ટસ ભાડે રાખશે

ર૦૧૯ની ચૂંટણી સંદર્ભે સમાચાર પત્રો, કેબલ ચેનલ, ઓડીયો ચેનલ સહિતના માધ્યમો ઉપર રાખશે ચાંપતી નજર

નવી દિલ્હી, તા., ૧૮: જેમ જેમ ર૦૧૯ ની લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર પ્રાદેશીક વિકાસ અને જે તે વિસ્તારના લોકોનો મિજાજ જાણવા સમગ્ર ભારતના જીલ્લાઓ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. માહીતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ૭૧૬ જીલ્લા માટે સોશ્યલ મીડીયા એકસપર્ટસ ભાડે રાખવા તૈયારી કરી રહી છે. આ એકસપર્ટસ જે તે જીલ્લાઓમાંથી નિકળતા સમાચાર પત્રો, લોકલ કેબલ ચેનલ્સ, લોકલ ઓડીયો ચેનલ્સ અને સમાચાર લક્ષી તમામ માધ્યમો ઉપર ધ્યાન રાખશે. જે તે પ્રદેશના મતદારોની નાડ પારખી સરકારને જણાવશે.

માહીતી પ્રસારણ મંત્રાલયના એક સતાવાળાએ જણાવ્યું કે, નામ વગર લખાતા લેખો ઉપર પણ નજર રાખવામાં આવશે. ૩ વર્ષના આ પ્રોજકટ માટે આશરે ર૦ કરોડ રૂપીયા ફાળવી દેવાયા છે. બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સ્લ્ટન્સ ઇન્ડીયા લીમીટેડ (બીઇસીઆઇએલ) એ જારી કરેલી માહીતી મુજબ સોશ્યલ મીડીયા એકઝીકયુટીવસને સ્થાનીક માધ્યમો અને યોજાતા કાર્યક્રમોની માહીતી એકઠી કરવાની રહેશે. આ ઉપરાંત સોશ્યલ મીડીયા જીલ્લા અને પ્રદેશના પક્ષના મીડીયા સેલને સરકારના ગુણગાન ગાવા માટે માહીતી પહોંચાડવાની રહેશે. સરકારને સીધુ અસરકર્તા બને તેવા સમાચારો ઉપર વધુ ધ્યાન રહેશે. ઇમરજન્સીના સંજોગોમાં સ્થાનીક લાગણીઓ જાણી તેનો ઉપાય શું કરવો? તે વિષે પ્રદેશના મીડીયા સેલને રીપોર્ટીગ કરવાનું રહેશે. ખોટા અને ઉભા કરાયેલા સમાચારો વિષે માહીતી આપવાની રહેશે.

બીઇસીઆઇએલ દ્વારા સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમીશનીંગ ઓફ સોફટવેર અને સર્વિસ માટે પણ દરખાસ્તો મંગાવવામાં આવી છે. આ સંદર્ભે જણાવાયું છે કે ફેસબુક, યુટયુબ, ટવીટર, ગુગલ પ્લસ, ઇન્સ્ટ્રાગ્રામ, કલીકર, લીંકડીન, ટમ્બલર, પીન્ટરેસ્ટ, પ્લે સ્ટોર, ઇ-મેઇલ, ન્યુઝ, બ્લોગઝ, ફોરમ્સ ઉપર પણ મીડીયા એકસપર્ટસને ધ્યાન આપવું પડશે. ન્યુઝ કવરેઝ કેવું રહેશે? તેના અનુમાનો પણ આપવાના રહેશે. હેડલાઇન્સ અને બ્રેકીંગ ન્યુઝ શું હશે? તે વિષે અગાઉથી માહીતી મેળવવી પડશે. ધંધાકીય ડીલ્સ, રોકાણો, દેશની યોજનાઓ, લોકોની લાગણીઓ અને ભુતકાળનો ટ્રેન્ડ પણ જાણવો પડશે. જે તે સમાચારો પ્રસારીત થશે તો તેની અસર શું હશે? તેના અનુમાનો પણ કરવાના રહેશે. ભારત સરકારની કાર્યપ્રણાલી વિષે દુનિયાનો દ્રષ્ટિકોણ શું રહેશે? તે પણ જાણવું પડશે.

બીઇસીઆઇએલ દ્વારા આ માટે ટેન્ડરો મંગાવાયા હતા જેની તારીખ ૧૦ ફેબ્રુઆરી-ર૦૧૮ હતી. પ્રીબીડ મીટીંગ ગોઠવવામાં આવી હતી. જેમાં ૧૭ અરજદારો આવ્યા હતા. પરંતુ ટેકનીકલ બીલ્ડ માટે માત્ર સીલ્વર ટચ અને ફોર્થ ડાયમેન્શન કંપનીઓ જ આગળ આવી હતી. જો કે ફાયન્સીયલ બીડ કેન્સલ થઇ હતી. કારણ કે નિયમ મુજબ ૩ કે તેથી વધુ ટેન્ડરો હોવા જોઇએ.

(4:01 pm IST)