Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

બ્લેક ફ્રાઇડે : સેંસેક્સ વધુ ૩૦૧ પોઇન્ટ ઘટી બંધ રહેતા નિરાશા

સતત ચોથા દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો રહેતા ચિંતાનું મોજુ : કર્ણાટકમાં સરકારની રચનાને લઇને અનિશ્ચિતતા વાદળો વચ્ચે કારોબારીઓ ચિંતાતુર : નિફ્ટીમાં ૭૮ પોઇન્ટ સુધી ઘટાડો થતાં સપાટી ૧૦૬૦૫ નોંધાઈ

મુંબઇ,તા. ૧૮ : શેરબજારમાં આજે સતત ચોથા દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૦૧ પોઇન્ટ ઘટીને ૩૪૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. સતત ત્રીજા સેશનમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકમાં ૨.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે એચડીએફસી બેંકમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં સત ચોથા દિવસે મંદી રહેતા કારોબારીઓ ચિંતાતુર રહ્યા હતા. બેડલોનની જોગવાઈમાં વધારો કરવાના કારણે ત્રિમાસિક ગાળાના પરિણામો નિરાશાજનક રહ્યા છે. વૈશ્વિક બજારોમાં એશિયન શેરબજારમાં આજે સ્થિરતા જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારના આંકડા પણ સાવધાનીવાળા જોવા મલી રહ્યા છે. ડોલર સામે રૂપિયામાં ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૧૭ ટકાનો અને કોરિયાના કોસ્પીમાં ૦.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ શાંઘાઈમાં ૦.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. ચીન અને અમેરિકા વેપાર મંત્રણાના નવેસરના રાઉન્ડમાં પ્રવેસી રહ્યા છે. જાપાનના નિક્કીમાં ૦.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટેના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદથી શેરબજારમાં અવિરત મંદીનુ મોજુ રહ્યુ છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે.  ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા ડબલ્યુપીઆઈ ફુગાવો હતો જે વધીને હવે ૩.૧૮ ટકા થઇ ગયો છે. શાકભાજી ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડબલ્યુપીઆઈ ફુગાવો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા. કઠોળ, શાકભાજી અને ઘઉં તેમજ ઇંડાની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત પણ થઇ છે. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે.શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે પણ મંદીનુ મોજુ રહ્યુ હતુ. બીએસઈ સેંસેક્સ ગઇકાલે ૨૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૧૪૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઘરઆંગણે કર્ણાટક કટોકટીને લઇને ચિંતા જોવા મળી રહી છે. 

(7:17 pm IST)