Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

બહુમતી સાબિત કરવા ૧૫ દિવસની જરૂર નથીઃ યેદિયુરપ્પા

ભાજપી નેતાએ બધું બરાબર 'ગોઠવી' લીધું કે હવામાં ગોળીબાર ?: હોટલમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માનસિક પીડા આપે છે : લોકસભામાં કર્ણાટકની તમામ ૨૮ બેઠકો જીતીશું : યેદિયુરપ્પા

બેંગલુરૂ તા. ૧૮ : કર્ણાટકમાં ભાજપને બહુમત મળશે કે કેમ તેને લઇને ચાલી રહેલા સસ્પેન્સની વચ્ચે મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ મોટો દાવો કર્યો છે. યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટીને બહુમત સાબિત કરવા માટે ૧૫ દિવસની પણ જરૂર નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ નેતૃત્વને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ વિધાનસભામાં બહુમત પ્રાપ્ત કરી લેશે.

યેદિયુરપ્પાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે, રાજયપાલ દ્વારા સમય આપવા છતાં પણ મને નથી લાગતુ કે બહુમત સાબિત કરવા માટે ૧૫ દિવસની જરૂરિયાત છે.

હું નિશ્ચિત છું કે બેંગાલુરૂની બહાર રિસોર્ટમાં રખાયેલા કોંગ્રેસના ધારાસભ્યનું માનસીક શોષણ થઇ રહ્યું છે અને તેઓ સરકારના પક્ષમાં મત આપશે. અમે સત્તામાં છીએ અને બહુમત સાબિત કરીને બતાવીશું. યેદિયુરપ્પાના આ દાવાથી કર્ણાટકમાં રાજકીય હલચલ વધુ તેજ થઇ છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા છે. અને પોતાના પરિવાર સાથે વાત કરવાની પણ મંજૂરી નથી અપાઇ.

(12:38 pm IST)