Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

શ્રીનગરની હોટલ પર હુમલો : ૩ રાયફલ લૂંટી ગયા

રમજાનના પ્રથમ દિવસે જ શસ્ત્રવિરામનો ઉલાળીયો કરતા આતંકીઓ : ૪૮ કલાકમાં બીજી વખત હથિયારની લૂંટઃ આવતીકાલે નરેન્દ્રભાઇ જમ્મુ - કાશ્મીર આવી રહ્યા છે ત્યારે સરહદ ઉપર પાકિસ્તાનના સતત ઊંબાડિયા : બેફામ ફાયરીંગ : ૧ જવાન શહીદ : ૨ નાગરિકોને ઇજા

શ્રીનગર તા. ૧૮ : રમજાન મહિનાના પહેલા જ દિવસે ત્રાસવાદીઓએ એક તરફી શસ્ત્રવિરામનો ઉલાળીયો કર્યો હતો. ત્રાસવાદીઓ શ્રીનગરની પાસે એક હોટલમાં હુમલો કરીને પોલીસ કર્મચારીઓની ત્રણ બંદુકો છીનવીને ભાગી ગયા હતા. આ બનાવ પછી સુરક્ષાબળોએ આખા ઇલાકાને ઘેરી લઇને સર્ચ ઓપરેશન શરૂ કરેલ છે.

સેન્ટ્રલ કાશ્મીરના ડીઆઇજી વી.કે.વીરડીના કહેવા મુજબ સુપ્રસિધ્ધ દાલ સરોવરની નજીક આવેલી હોટલ હીલ સ્કાર્ટની સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મીઓ પર હુમલો કરીને ત્રાસવાદીઓ તેમની બે ઇંસાસ અને એક એસ.એલ.આર. રાઇફલ છીનવીને ફરાર થઇ ગયા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જગ્યાથી મુખ્યમંત્રી મહેબુબા મુફતી, ડો. ફારૂક અબ્દુલ્લા, ઉંમર અબ્દુલ્લા અને અન્ય નામાંકિત લોકોના ઘર થોડા જ દુર છે.

ખબર મુજબ સુરક્ષા દળોએ ઘટના સમયે ફાયરીંગ કર્યું ન હતું. અચાનક થયેલા હુમલાથી સુરક્ષાદળોને મોકો ન મળ્યો જેનો ફાયદો ઉઠાવીને ત્રાસવાદીઓ ત્રણ રાઇફલ લૂંટી ગયેલ.

આ પૂર્વે બુધવારે પણ ત્રાસવાદીઓએ યુનિવર્સિટીના દરવાજા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારી પર હુમલો કરીને તેની રાઇફલ છીનવી લીધી હતી. આ ઘટના પછી સુરક્ષા દળોએ તરત જ આ વિસ્તારને ઘેરીને તલાશ શરૂ કરી હતી જોકે ઘણી મહેનત પછી રાઇફલનો પત્તો નથી મળ્યો.

અરનિયા વિસ્તારમાં લોકોને ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના અર્ની, બિશ્વાહ અને આરએસપુરા વિસ્તારમાં સરહદ પાસેના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલ દરેક સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કુલ બંધ કરી દેવામાં આવી છે.

જયારે બાંદીપોરાના હાજિનમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આંતકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. બાંદીપોરામાં સેનાના જવાનો પર ફાયરિંગ કરી આતંકીઓ ફરાર થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ૧૯મીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે ત્યારે એક દિવસ અગાઉ સરહદ પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે.(૨૧.૪)

 

(10:01 am IST)