Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કોંગ્રેસ - જેડીએસના ધારાસભ્યો હૈદ્રાબાદ પહોંચ્યા

બેંગલુરૂના ઇગલટન રિસોર્ટ ઉપરથી યેદુરપ્પા સરકારે અચાનક સુરક્ષા હટાવી લેતા અને ભાંગફોડ શરૂ કરતા તાત્કાલિક પગલા લેવાયા : કોંગ્રેસના બે ધારાસભ્યોનો કોઇ પત્તો નથી ! : તો મૈસૂર ક્ષેત્રના ભાજપી ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં ? ભારે સસ્પેન્સઃ ઇગલટનમાં સુરક્ષા હટાવી અને ભાજપ નેતા ઘુસી ગયાઃ જંગી ઓફરો કરી? ગુલામ નબી કહે છે અમને સુપ્રીમમાં પૂરો વિશ્વાસ : વજુભાઇ જેવી ભૂલ નહિ જ કરે

બેંગ્લુરૂ તા. ૧૮ : બીએસ યેદિયુરપ્પાના માથા પર લટકતી રાજનિતીક અનિશ્યિતતાની તલવાર સાથે ગુરૂવારે ત્રીજી વખત મુખ્યમંત્રીની ખુરશી સંભાળી લીધી છે. બહુમતિના જાદુઇ આંકડાથી દૂર હોવા છતાં રાજયપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે કર્ણાટકમાં ભાજપે ભલે સરકાર બનાવી લીધી હોય પરંતુ બહુમતિ સાબિત કરવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઇ છે.

છેલ્લા હેવાલો મુજબ ગઇરાત્રે જ બેંગલુરૂમાં ઇગલટન રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને હૈદરાબાદ લઇ જવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસના બે ધારાસભ્ય રાજશેખર પાટિલ, પ્રતાપ ગૌડ પાટિલ પાર્ટીના સંપર્કમાં નથી. વળતા કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે મૈસૂર ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

એકબાજુ કોંગ્રેસના ધારાસભ્યોએ રિસોર્ટ છોડી દીધુ છે ત્યારે બીજી બાજુ જેડીએસના ધારાસભ્યોએ પણ પોતાની હોટલ છોડી દીધી છે. એક મળતા અહેવાલ મુજબ કેટલાક ધારાસભ્યો કોચ્ચિ જઇ શકે છે તો કેટલાક ધારાસભ્યો હૈદરાબાદ પણ જઇ શકે છે.

દરમિયાન મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રચવના થયાનું અને કેટલાક ધારાસભ્યોને હૈદ્રાબાદ શિફટ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. બેંગલુરૂમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઇ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ મુકાયો છે. કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ - જેડીએસના ધારાસભ્યોને રોકવા માટે ૧૨૫ રૂમ બુક કરાવાયાના અહેવાલ મળે છે. બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ જવા રવાના થયા હતા.

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુની બહાર મોકલી દેવાશે આ બાબતે વિચાર માટે અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ઘારમૈયા, ડી કે શિવકુમાર અને પાર્ટી નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. પાર્ટીને એવો ડર સતાવી રહ્યો છે કે યેદિયુરપ્પા કેટલાક ધારાસભ્યોને તોડી શકે છે. આ બાજુ જેડીએસ પણ ધારાસભ્યોને પણ બેંગલુરૂથી ખસેડી લેવાયા છે.

કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ કહ્યું કે ઈગલટોન રિસોર્ટની બહારથી પોલીસ હટાવ્યાં બાદ ભાજપના નેતા અંદર આવી ગયા અને રૂપિયાની ઓફરો કરી. તેઓ સતત અમારા ધારાસભ્યોને ફોન કરી રહ્યાં છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપ અમારા પર દગાબાજીનો આક્ષેપ લગાવી રહી છે. અમને સુપ્રીમ કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે. તેઓ રાજયપાલ જેવી ભૂલ કરશે નહીં. આઝાદે કહ્યું કે ભાજપ એક ગેમ માટે બે નિયમોનો ઉપયોગ કરી શકે નહીં. ભાજપ, કેન્દ્ર સરકાર અને તેમના રાજયપાલના અસલ ચરિત્ર દેશની સામે આવી ગયા છે. કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેઓ બંધારણ અને લોકતંત્રની રક્ષા કરે. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારે તેમને (ધારાસભ્યો)ને બચાવવા પડી રહ્યાં છે.

આ બાજુ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન બહાર ધરણાનું પણ અમને સૂચન મળ્યું છે. છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં જયાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા હતાં તે ઈગલટોન રિસોર્ટની બહારથી સુરક્ષા હટાવી લેવામાં આવી છે.

કર્ણાટકમાં થઈ રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઈગલટોન રિસોર્ટ બહારથી નવી ભાજપ સરકારે સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે. સુરક્ષા હટાવવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યકત કરી છે.

કોલારથી સાતવાર ચૂંટાઈ આવેલા સાંસદ તથા પૂર્વ મંત્રી કે એચ મુનિયપ્પાએ તેના પર નારાજગી વ્યકત કરતા કહ્યું કે આ યોગ્ય નથી. કોંગ્રેસના ધારાસભ્યોને આ જ ઈગલટોન રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ એ જ રિસોર્ટ છે જયાં ૨૦૧૭જ્રાક્નત્ન ગુજરાતની રાજયસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોનો રોકવામાં આવ્યાં હતાં. તે સમયે પણ એમએલએની ખરીદ વેચાણના આરોપ લાગ્યા હતાં. કોંગ્રેસના સંકટમોચક બનેલા ડી કે શિવકુમાર આ વખતે પણ ફરીથી એ જ ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને એમએલએના હોર્સ ટ્રેડિંગને રોકવાની જવાબદારી સોંપી છે.

કે એચ મુનિયપ્પાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વ્યાજબી નથી. સરકાર ભલે ગમે તેની હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષા આપવી એ તેમનું કર્તવ્ય છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ સુરક્ષા હટાવવાના મુદ્દા પર કહ્યું કે અમારા ધારાસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ અમારી જવાબદારી છે. યેદિયુરપ્પા જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યાં છે તેના ઉપર મને આશ્યર્ય થઈ રહ્યું છે. શપથગ્રહણ બાદ તેમણે ૪ આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખી છે. ભાજપની આ કોશિશ હાસ્યાસ્પદ છે. અમારા તમામ ૩૮ ધારાસભ્યો અમારી સાથે છે.

(12:40 pm IST)