Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા : નીતિ આયોગે આપ્યા સંકેત

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું જો આ પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર પડે તો સરકાર નાણાકીય પગલાં લેશે

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને હવે દૈનિક નવા કેસો બે લાખની ઉપર આવી રહ્યા છે. કોરોનાના વધતા જતા કહેરની ગંભીર અસરો અર્થતંત્ર પર પડી શકે છે. આવામાં નિતીઆયોગે સંકેત આપ્યા છે કે કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ જાહેર કરી શકે છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે જરૂર પડવાથી સરકાર કોઈ નાણાકીય ઉપાય કરી શકે છે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે કોવિડની બીજી લહેર વચ્ચે દેશમાં માંગધારકો અને રોકાણકારોની ધારણાઓ વિશે વધુ અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું જોઈએ. રાજીવ કુમારે 18 એપ્રિલના રવિવારે કહ્યું હતું કે, જો આ પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર પડે તો સરકાર નાણાકીય પગલાં લેશે.રાજીવ કુમારે સ્વીકાર્યું કેકોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે હાલની સ્થિતિ પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. આમ હોવા છતાં તેમણે આશા વ્યક્ત કરી કે 31 માર્ચ 2022 ના અંતમાં નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 11 ટકાના દરે વૃદ્ધિ કરશે.

દેશમાં કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર પ્રતિકુળ અસરો રોકવા સરકાર નવા રાહત પેકેજ પર વિચારણા કરી રહી છે કે કેમ તે અંગે પૂછતાં રાજીવ કુમારે કહ્યું કે નાણાં મંત્રાલય કોવિડની બીજી લહેરની સીધી અને આડકતરી અસરની આકારણી કરશે તો જ આ સવાલનો જવાબ મળી શકે.

રાજીવ કુમારે કહ્યું આ સંદર્ભે ભારતીય રિઝર્વ બેંકની પ્રતિક્રિયા પણ જોઈ છે. મને વિશ્વાસ છે કે જરૂર પડે ત્યારે સરકાર નાણાકીય પગલા પણ લેશે. આ મહિનાની શરૂઆતમાં સેન્ટ્રલ બેન્કે મુખ્ય નીતિ દર 4 ટકા રાખ્યો છે. તે જ સમયે રિઝર્વ બેંકે પણ પોતાનું નરમ વલણ ચાલુ રાખ્યું છે.2020માં કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે એક ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની જાહેરાત કરી. કુલ મળીને આ પેકેજની કિંમત 27.1 લાખ કરોડ રૂપિયા છે, જે દેશના GDPના 13 ટકાથી વધુ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં થયેલા વિકાસ અંગે રાજીવ કુમારે કહ્યું હતું કે વિવિધ અંદાજ મુજબ તે 11 ટકાની આસપાસ રહેશે. છેલ્લી નાણાકીય સમીક્ષામાં રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં 10.5 ટકાના વૃદ્ધિદરની આગાહી કરી છે. આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં વિકાસ દર 11 ટકા હોવાનો અંદાજ છે. સત્તાવાર અંદાજ મુજબ, 2020-21માં અર્થવ્યવસ્થામાં આઠ ટકાનો ઘટાડો થશે.

(5:42 pm IST)