Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મુંબઈમાં નકલી રેમડેસિવર ઇન્જેક્શન વેચતી ગેંગ ખુલ્લી પડી : રેમડેસિવરની ખાલી બોટલમાં પેરાસીટામોલની દવા ભરીને રેમડેસિવર ઇન્જેકશન બતાવી દર્દીઓને વેચવામાં આવતા પોલીસે મુખ્ય સૂત્રધાર ની અટક કરી : પૂછપરછ આરોપી પોપટ બની સાથીદારોના નામ જણાવતા બીજા ત્રણ આરોપી પણ પકડાયા

મુંબઈ: દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા કમાવવાની માનસિક્તા ધરાવતા લોકો પણ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના બારામતીમાંથી સામે આવ્યો છે. જ્યાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે રામબાણ મનાતું રેમડેસિવિર ઈન્જેક્શનની હાલ ખૂબ જ માંગ છે. જેનો લાભ ખાટવા માટે કેટલાક તત્વો રેમડેસિવિર વાયલમાં ભેળસેળ કરીને તેનું વેચાણ કરી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એક દર્દીના સબંધીને રેમડેસિવિર ઈન્જેક્શનની તાત્કાલીક જરૂર પડી હતી. તેને જણા થઈ કે, બારામતીની એક ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળી રહ્યાં છે. આથી તેણે એક શખ્સનો સંપર્ક કર્યો. જેણે પોતે એક કોવિડ કેન્દ્રમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતુ અને જરૂરિયાતમંદોને રેમડેસિવિર ઈન્જેક્શન વેચે છે. જ્યારે દર્દીના સબંધીએ ઈન્જેક્શન માંગ્યું, તો તેણે એક ઈન્જેક્શન માટે 35 હજાર રૂપિયા માંગાય હતા.

આ દરમિયાન પોલીસ અધિકારી નારાયણ શિરગાવકરને આ સમગ્ર બાબતની જાણ થતાં તેમણે તાત્કાલીક આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાના અન્ય સાગરિતોના નામ પણ જણાવી દીધા. જે બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી અને આગવી ઢબે પૂછપરછ કરતાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

આ ગેંગનો મુખ્ય સુત્રધાર દિલીપ ગાયકવાડ ઈન્સ્યોરન્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે. જેણે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગીને જોતા રૂપિયા કમાવવા નવો કિમિયો અજમાવ્યો હતો અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની યોજના બનાવી હતી. ગેંગનો એક સભ્ય કોવિડ સેન્ટરમાં કામ કરતો હતો, જે રેમેડસિવિર ઈન્જેક્શનની ખાલી શીશીઓ એકઠી કરીને લઈ આવતો હતો. જે બાદ આ ગેંગ પેરાસિટોમલની ગોળીઓ પાણીમાં ભેળવીને તેનું લિક્વિડ રેમડેસિવિરની ખાલી શીશીમાં ભરીને વેચતા હતા. તેઓ એક ઈન્જેક્શન પર 35 હજાર રૂપિયા જેટલી માતબર રકમ વસૂલતા હતા.

પોલીસે આ સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમની ઓળખ દિલીપ ગાયકવાડ, સંદીપ ગાયકવાડ, શંકર ભિસે અને પ્રકાશ ધરત તરીકે થઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, અત્યાર સુધીમાં આ લોકોએ આવા કેટલા નકલી ઈન્જેક્શન વેચીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે. fa

(4:57 pm IST)