Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મધ્યપ્રદેશની શાહદોલ મેડીકલ કોલેજમાં ઓકિસજનની ઘટના કારણે ૧ર દર્દીઓએ દમ તોડયો : તમામ દર્દીઓ આઇસીયુમાં દાખલ હતા

નવી દિલ્હી : મધ્યપ્રદેશની શાહદોલ મેડિકલ કોલેજમાં, ઓક્સિજનની ઘટના કારણે કોરોનાના 12 દર્દીઓના મોત નિપજ્યા હોવાની વિગત સામે આવી છે. ઘટના શનિવારે રાત્રે બની હોવાનુ કહેવાય છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ હતા. ત્યારે એકાએક ઓક્સિજન સપ્લાય ઓછો થવાને કારણે, દર્દીઓના મોત થયા હોવાનું કહેવાય છે.

દર્દીઓને અપાતા ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતાં દર્દીઓએ શ્વાસ લેવામાં ભારે તકલીફ ભોગવવી પડી હતી. દર્દીઓને પડતી શારીરિક પીડાના પગલે, દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, ઓક્સિજન સિલિન્ડરોની કોઈ વ્યવસ્થા નહોતી. ઓક્સિજન વિતરણ માટે જરૂરી પ્રેશર જાળવી રાખવા માટે હોસ્પિટલના તબીબો સહીતના કર્મચારીઓ સિલિન્ડરો ગોઠવવામાં વ્યસ્ત થયા. ઓક્સિજનની ઘટના કારણે 12 દર્દીઓ મૃત્યુ પામ્યા તે પહેલા કોરોનાના 10 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા હતા. આમ શનિવારે એક દિવસમાં શાહદોલ મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહેલા કોરોનાના કુલ 22 દર્દીઓનાં મોત નિપજ્યાં હતાં.

હોસ્પિટલમા દાખલ દર્દીઓને ઓક્સિજન આપવા છતા પૂરતો ઓક્સિજન નહી મળતા, ઘણા દર્દીઓએ પોતાના ઓક્સિજન માસ્ક હાથથી દબાવી રાખ્યા હતા. દર્દીઓને એવુ લાગ્યુ કે હાથથી ઓક્સિજન માસ્ક દબાવી રાખીએ તો સારી રીતે શ્વાસ લેવાય છે. શાહદોલ મેડિકલ કોલેજના ડીને દર્દીઓના મોત નિપજ્યા હોવાની વાત કબુલી છે. તેના થોડાક સમય બાદ એડીશનલ જિલ્લા કલેકટરે પણ શાહદોલ મેડિકલ કોલેજમાં 12 દર્દીઓના મૃત્યુ નિપજ્યાની વાત સ્વીકારી હતી.

શાહદોલ મેડિકલ કોલેજનું કમિશનરે પરમ દિવસ શુક્રવારે નિરીક્ષણ કર્યુ હતું. સમયે તેમણે મેડીકલ કોલેજની સ્વચ્છતા અને આરોગ્યલક્ષી સહીતની અન્ય વ્યવસ્થાઓ બાબતે જાણકારી મેળવી હતી. અને જરૂરી સુચનો કર્યા હતા. સમયે તેમની સાથે જિલ્લા કલેકટર, અધિક કલેકટર અને મેડીકલ કોલેજના ડીન સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઓક્સિજનની કમીને કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોએ પણ મુલાકાત અંગે સવાલો કર્યા છે. કમિશનર રૂબરુ આવ્યા ત્યારે કેમ તેમણે ઓક્સિજનના સપ્લાય બાબતે કોઈ ચર્ચા કે માર્ગદર્શન ના આપ્યુ તેમ કહીને તેમને પણ નિર્દોષ દર્દીઓના મોત અંગે દોષીત ગણાવ્યા છે.

(3:09 pm IST)